(એજન્સી) નવી દિલ્હી , તા.૨૫
કેન્દ્રીય કાયદા પ્રધાન રવિ શંકર પ્રસાદે એ વાતની સ્પષ્ટતા કરી હતી કે, જમ્મુ-કાશ્મીરને ખાસ રાજ્યનો દરજ્જો આપતી કલમ ૩૭૦ ફરી લાગુ નહીં કરાય. ગત વર્ષે પાંચ ઓગસ્ટના રોજ વિશેષ રાજ્યનો દરજ્જો રદ્દ કરવામાં આવ્યો હતો. અને ભારત સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્ર શાસિત રાજ્યોમાં વિભાજીત કરી દેવાયું હતું. ભાજપના પૂર્વ સહયોગી મહેબૂબા મુુફ્તીના નિવેદન અંગે પ્રતિક્રિયા આપતાં પ્રસાદે ઉક્ત ખુલાસો કર્યો હતો. પોતાના નિવેદનમાં મહેબૂબાએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી કલમ ૩૭૦ ફરી લાગુ નહીં કરાય ત્યાં સુધી તેઓ અને તેમની પાર્ટીના નેતા ભારતના ધ્વજને હાથમાં પકડશે નહીં. કાનૂન મંત્રીએ જણાવ્યું હતું કે, મહેબૂબાનું આ નિવેદન રાષ્ટ્રધ્વજની નિંદા કરનારૂં છે. એક સમાચાર સંસ્થાએ પ્રસાદને ટાંકતા જણાવ્યુંં હતું કે, યોગ્ય બંધારણીય જોગવાઈઓનો અમલ કરી જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર કરવામાં આવી છે. સંસદના બન્ને ગૃહોએ સરકારના આ નિર્ણય સાથે સમજૂતિ દર્શાવી હતી. આ અગાઉ ભાજપે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની ધરપકડની માંગ કરી હતી. ભાજપે જણાવ્યું હતું કે, મહેબૂબાનું આ નિવેદન ભારતના રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કરનારૂ છે. એક વર્ષ લાંબી અકટકાયતમાંથી મુક્ત થયા બાદ મીડિયા સાથે સીધી રીતે સૌ પ્રથમ વખત વાત કરતાં મહેબૂબાએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી કલમ ૩૭૦ ફરી લાગુ નહીં કરાય ત્યાં સુધી તેઓ અને તેમની પાર્ટીના નેતા ભારતના ધ્વજને હાથમાં પકડશે નહીં.