નગરપાલિકાની બેદરકારીથી લોકોમાં રોષની લાગણી

કલોલ, તા.૭
કલોલમાં પ્રદૂષિત પાણી પીવાથી ઝાડા-ઉલ્ટીનો રોગચાળો ફાટી નીકળ્યો હતો જેમાં પાંચ જણાનાં મોત નિપજતાં હાહાકાર મચી જવા પામ્યો છે. આજે વધુ ૧૦ કેસ નોંધાયા હતા. આ અંગે ‘આપ’ના કાર્યકરો ધરણા પર ઊતર્યા છે. બનાવની વિગત અનુસાર કલોલ શહેરના સર્વોદય સોસાયટી પાસેના શ્રેયસ છાપરા, ત્રિકમનગર, શ્રેયસ સોસાયટી, જે.પી.ની લાઠી, આંબેડકરનગર, દત્તનગર, હરીકૃપા હોસ્પિટલ પાછળના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અત્યંત દૂષિત અને દુર્ગંધયુક્ત પાણી આવતું હતું. આ અંગે રહીશોએ પાલિકામાં ફરિયાદો પણ કરી હતી પરંતુ સત્તાધીશો દ્વારા કોઈ ધ્યાન ન અપાતા પાણીજન્ય ઝાડા-ઉલ્ટીનો રોગચાળો ફાટી નીકળ્યો હતો. રેલવે પૂર્વના શ્રેયસના છાપરામાં સાડા પાંચ વર્ષની બાળકી ઉપરાંત એક જ પરિવારના પિતા-પુત્રનું ઝાડા-ઉલ્ટીમાં મોત થયું હતું. રોગચાળાની ગંભીરતા સમજી જિલ્લા કલેકટર દ્વારા ઉપરોક્ત વિસ્તારના બે કિ.મી.ના એરિયાને કોલેરાગ્રસ્ત જાહેર કરીને કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે મામલતદારની નિમણૂક કરી છે. જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા વિસ્તાર ઓપીડી ચાલુ કરવામાં આવી છે જેમાં આશરે ૧૦૦ જેટલો કેસ પ્રકાશમાં આવ્યા છે. મૂળ કારણ શોધવા પાણી અને દર્દીના સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. લેબોરેટરીમાં પરિક્ષણ બાદ રોગચાળાનું સાચું કારણ બહાર આવશે. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ઘેર-ઘેર સર્વે ચાલુ કરાયા છે. આ વિસ્તારમાં રહેતા હજાર જેટલા પરિવારોને ક્લોરીનની ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યું છે. આજરોજ વધુ ૧૦ કેસ નોંધાયા હતા. કેટલાક દર્દીઓએ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લીધી છે. આરોગ્ય તંત્ર દ્વારા ગતરોજ પાંચ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ મામલે આરોગ્ય અધિકારી ડો.મનુભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે પાંચ સેમ્પલ પૈકી બે દર્દીના સેમ્પલ કોલેરા પોઝિટિવ રહ્યા હતા. રોગચાળા સંદર્ભે આપ દ્વારા આજરોજ ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કાર્યકરો તંત્રવાહકો સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.