(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૩૧
આજે વડોદરાની મુલાકાતે આવેલા ધારાસભ્ય અને દલિત નેતા જીજ્ઞેશ મેવાણી તેમજ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ કલ્યાણનગર ઝુપડપટ્ટીના અસરગ્રસ્તોને તે જ સ્થળે ઝડપથી આવાસો બનાવી આપવા અને ઝડપથી ભાડાની રકમ ચૂકવી દેવા મ્યુનિ. કમિશનર સમક્ષ રજૂઆત કરી એક સપ્તાહમાં નિર્ણય જાહેર કરવા અલ્ટીમેટમ આપ્યું છે. તેમના આગમનને કારણે મનપામાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. આજે ધારાસભ્યો જીજ્ઞેશ મેવાણી, ઈમરાન ખેડાવાલા મહાનગર સેવાસદનમાં મ્યુનિ. કમિશનરને રજૂઆત કરવામાં આવનારા હોવાને કારણે નવાપુરા પોલીસ સહિત સ્ટાફ દોડતો થઈ ગયો હતો. મનપાની સિક્યુરિટી પણ એલર્ટ થઈ હતી. બપોરે એકાદ વાગ્યાની આસપાસ મેવાણી ઈમરાન ખેડાવાલાનો કાફલો તેમજ મુસ્લિમ અગ્રણીઓ ડો.જે.એચ. બંદૂકવાળા, વકીલ ઈકબાલ શેખ, બદરૂદ્દીન શેખ તથા વિરોધ પક્ષના નેતા ચંદ્રકાન્ત ભથ્થુ, નરેન્દ્ર રાવત, કોર્પોરેટર અમીબેન રાવત, ફરીદ કટપીસવાલા મનપા મુખ્યાલય ખાતે આવી પહોંચ્યા હતા. જીજ્ઞેશ મેવાણીએ મ્યુનિ. કમિશનર સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે કલ્યાણનગરના અસરગ્રસ્તોને ભાડુ ચૂકવવામાં વિલંબ થાય છે. આ ઉપરાંત તેમને સ્થળ ઉપર આવાસો બાંધી આપવાની બાંહેધરી હાઈકોર્ટમાં આપવામાં આવી છે છતાં કામ બંધ કરી દેવામાં આવ્યું છે. તેના પ્રત્યુત્તરમાં મ્યુનિ. કમિશનરને જણાવ્યું હતું કે આવાસ યોજનાનો ખર્ચ વધી જવાથી કામ બંધ કરવામાં આવ્યું છે. એટલે મેવાણીએ વળતો સવાલ કર્યો હતો કે ખર્ચ વધી જાય તો ભોગવવો પડે એને લીધે કામ બંધ કરી દેવું યોગ્ય નથી. અન્ય મુસ્લિમ આગેવાનોએ પણ કલ્યાણનગર ઝુપડપટ્ટીના અસરગ્રસ્તો માટે ઉગ્ર રજૂઆતો કરી હતી. જીજ્ઞેશ મેવાણીએ મ્યુનિ. કમિશનરને એક સપ્તાહમાં કલ્યાણનગરના અસરગ્રસ્તો માટે નિર્ણય લઈ લેવા અલ્ટીમેટમ આપ્યું હતું.