(સંવાદદાતા દ્વારા) મોરબી, તા.ર૯
હળવદ હાઈવે પર આવેલ કવાડિયા ગામના પાટિયા પાસે કાર પલટી મારી જતાં તેમાં સવાર બે લોકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા ધાંગધ્રા તેમજ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ ધાંગધ્રા તાલુકાના રામપરા ગામેથી ઠાકોર સમાજ જાન લઈ હળવદ તાલુકાના કવાડિયા ગામે આજે આવ્યા હતા. ત્યારે બપોરના સમયે જાનૈયાઓ કોઈ કામ અર્થે જે કારમાં વરરાજાને બેસાડીને લાવ્યા હતા, તેજ કાર લઈ હળવદ આવ્યા હતા અને હળવદમાં કામ પતાવી પરત કવાડિયા જઈ રહ્યા હતા. ત્યારે કવાડિયા ગામના પાટિયા પાસે કાર આડે પશુ ઉતરતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજતાં અરેરાટી વ્યાપી જવા પામી છે.
કવાડિયા ગામ પાસે સર્જાયેલા અકસ્માતમાં ઘટનાસ્થળે જ રાજેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ ઝાલા (રહે.રામપરા) અને પ્રવીણભાઈ ઠાકોરનું મોત નીપજ્યું હતું. જ્યારે જયંતીભાઈ જગાભાઈ ઠાકોર અને વિષ્ણુભાઈ ઠાકોરને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યારે ભગાભાઈ ભીખાભાઈ ઠાકોર અને ચંદુભાઈ ગોવિંદભાઈ ઠાકોરને નાની-મોટી ઈજાઓ પહોંચતા તેઓને ધાંગધ્રા સારવાર આપવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
બનાવની જાણ કવાડિયા ગામે લગ્નપ્રસંગમાં થતાં લગ્નનો માહોલ માતમમાં છવાઈ ગયો છે અને ધાંગધ્રા તેમજ હળવદ હોસ્પિટલ ખાતે લોકોના ટોળા આવી પહોંચ્યા હતા.