(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૨૪
શહેરના માણેજા વિસ્તારમાં આવેલ ફિટનેસ ઝોન નામનાં જીમનાં ટ્રેનર, મેનેજર તથા માલિક સહિતનાંએ જીમમાં આવતી યુવતિ સાથે શારીરિક અડપલા કરી વિરોધ કરતાં ગાળો આપી હોવાની ફરિયાદ યુવતિએ આજે મકરપુરા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત થતી વિગત અનુસાર માણેજા વિસ્તારમાં આવેલ શિવાભી કોમ્પલેક્ષમાં ચાલતા ફિટનેસ ઝોન નામનાં જીમમાં એક યુવતિ કસરત કરવા માટે જતી હતી. જીમમાં કસરત દરમિયાન ટ્રેનર દિવ્યકાંત સોલંકી ઉર્ફે ડી.કે. નામનાં યુવાને તેને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. તેને એકાંતમાં મળવાનાં બહાને જીમનાં છત ઉપર બોલાવી બળજબરીપૂર્વક બાથ ભરી લીધી હતી. જેથી યુવતિ તેને ધક્કો મારી નીચે ઉતરી આવી હતી. ફેબ્રુઆરી માસથી નવેમ્બર સુધી ટ્રેનર અવાર-નવાર કસરતનાં બહાને યુવતિનાં શરીર સાથે અડપલા કરતો હતો. જેની જાણ યુવતિએ જીમનાં મેનેજર નિલેશ વસાવા તથા માલિક સંકેત કોઠી ને કરી હતી.આ બંને જણાંએ ટ્રેનરને ઠપકો આપવાની જગ્યાએ યુવતિને ગાળો આપી તેને બદનામ કરવાની ધમકી આપી હતી. ટ્રેનર અને મેનેજર અવાર-નવાર યુવતિનો છુટયા બાદ પીછો કરતાં હતા અને માનસિક ત્રાસ પહોંચાડતા હતા. યુવતિનાં મોબાઇલ ઉપર પણ ટેક્ષ મેસેજ કરી હેરાન કરતાં હતા. યુવતિને જો ફરિયાદ કરીશ તો એસીડ નાખવાની ધમકી આપી હતી. આથી ગભરાઇ ગયેલ યુવતિએ આજે આ બનાવ અંગે મકરપુરા પોલીસ મથકમાં જીમનાં માલિક, મેનેજર તથા ટ્રેનર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.