(એજન્સી) તા.૧૬
જમ્મુ-કાશ્મીરમાં પોલીસ કસ્ટડીમાં એક દુકાનદારના મોત બાદ શોપોર જિલ્લામાં મોટી સંખ્યામાં લોકો માર્ગો પર ઊતરી આવ્યા હતા અને દેખાવ કરવા લાગ્યા હતા. જેના કારણે સંપૂર્ણ વિસ્તારમાં ઈન્ટરનેટ બંધ કરી દેવાયો હતો. પીડિત ઈરફાન અહેમદ દારના પરિવારજનોએ આરોપ મૂક્યો હતો કે તેને અને તેના ભાઈ જાવેદ અહેમદને દુકાનેથી મંગળવારે પોલીસવાળા ઉપાડી ગયા હતા અને કસ્ટડીમાં લીધા બાદ તેમને ભારે ટોર્ચર કરાયા હતા અને તેના કારણે જ તેઓ મૃત્યુ પામી ગયા. પીપલ્સ કોન્ફરન્સના અધ્યક્ષ સજાદ લોને પણ આ મામલે ધ્યાન આપતાં ટિ્‌વટ કરી હતી કે પોલીસે આ સારું કામ કર્યું નથી. દુઃખદ ઘટનાક્રમ. જો કે દારના મોતના સમાચાર ફેલાતાની સાથે જ તેના પાડોશીઓ અને પરિજનોએ હોબાળો કરવાની શરૂઆત કરી હતી અને તેના બાદ દેખાવોની શરૂઆત થઈ ગઈ હતી. દેખાવકારોએ આ દરમિયાન પોલીસની આકરી ટીકા કરી હતી અને ૨૪ વર્ષીય ઈરફાનની કસ્ટોડિયલ ડેથ મામલે પોલીસની ઝાટકણી કાઢતાં નારેબાજી પણ કરી હતી. જોકે આ મામલે પોલીસ દાવો કરે છે કે દાર આતંકીઓ સાથે મળીને કામ કરી રહ્યો હતો અને જ્યારે તે કસટડીમાંથી નાસવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તે માર્યો ગયો. પોલીસ પ્રવક્તાએ કહ્યું કે દારનો શબ એક પથ્થરની ખાણમાંથી મળી આવ્યો હતો. જોકે પોલીસે એ ન જણાવ્યું કે તેનું મોત કઈ રીતે થયું? પોલીસે દાવો કર્યો કે રાત્રે અંધારાનો લાભ લઈ તે છટકી ગયો અને આ મામલે એક કેસ નોંધી પણ લેવાયો હતો. શોધખોળ દરમિયાન તે નજીકમાં આવેલી પથ્થરની ખાણમાંથી મળી આવ્યો હતો.