ચેન્નાઇ,તા. ૧
કાંચીપુરમ મઠના ૮૨ વર્ષીય શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીને આખરે લાંબી પ્રક્રિયા બાદ તેમના ગુરૂની બાજુમાં મહાસમાધી આપી દેવામાં આવી છે. મહાસમાધી આપતા પહેલા પરંપરાગત રીતે પુજા કરવામાં આવી હતી. તમામ જરૂરી વિધી કરવામાં આવી હતી. સરસ્વતી ૬૯માં શંકરાચાર્ય અને કાંચી કામકોટી પીઠના પીઠાધિપતિ હતા. દેશના સૌથી શક્તિશાળી સંત મનાતા શંકરાચાર્યની મહાસમાધિની પ્રક્રિયા આજે સવારે શરૂ કરવામાં આવી હતી. દેશભરમાંથી મોટી સંખ્યામાં સંત અને મઠના લોકો અંજલિ આપવા માટે પહોંચ્યાહતા. તમિળનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત પણ શંકરાચાર્યના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. ગયા મહિનામાં જયેન્દ્ર સરસ્વતીને અચાનક શ્વાસ લેવાની તકલીફ ઉભી થઇ હતી. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પાર્થિવ દેહને દફનાવવા માટેની પ્રક્રિયા જેને વૃંદાવન પ્રવેશમ કહેવામાં આવે છે તે સ્નાનની સાથે શરૂ થઇ હતી. મહાસમાધી વેળા મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. મઠના એક અધિકારીએ કહ્યું હતું કે, તેમના પૂર્વવર્તી ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતીના અવશેષ વર્ષ ૧૯૯૩માં રાખવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહાસમાધીથી પહેલા કરવામાં આવતા અનુષ્ઠાન અને સંસ્કાર પણ મઠના મહંતો દ્વારા કરવામાં આવ્યા હતા.