માંગરોળ, તા.૧૭
માંગરોળ તાલુકાના કેટલાક ગામોની ખેતીની જમીનને સિંચાઈનું પાણી મળી રહે તથા આ વિસ્તારના ખેડૂતો વર્ષમાં એક કરતાં વધુ પાકો લઈ આર્થિક રીતે વધુ સધ્ધર બને એને ધ્યાનમાં લઈ કરોડો રૂપિયા મંજૂર કર્યા છે.
ત્યારબાદ માંગરોળ તાલુકાના ૧૩ ગામોમાં છેલ્લા પાંચ-છ માસથી પાઈપલાઈન નાંખવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જે ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં ઘોડબાર, સેલારપુર, માંડણ, બોરીયા ઓગણીસા, પાતલદેવી, લવેટ, ઈશનપુર, કુંડ-વડ,-નાંદોલા મોટીફળી, નાનીફળી ગામોના સમાવેશ થાય છે. આ ગામોના ખેડૂતોની હજારો હેક્ટર જમીનમાંથી પાઈપલાઈન પસાર કરવામાં આવી રહી છે. જે એજન્સીને આ કામ આપવામાં આવ્યું છે. એના દ્વારા છેલ્લા પાંચ-છ માસથી પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે. આ યોજના ઉભી થાય એની સામે જનતાને કોઈ વાંધો નથી પરંતુ કામ કરનારી એજન્સીના કર્મચારીઓ ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના પોતાની મરજી મુજબ પાઈપ નાંખવાની કામગીરી કરી રહ્યા છે. કોઈ જવાબદાર સરકારી અધિકારી પણ હાજર રહેતા નથી. ખેતીની જમીનમાં ઉભા પાકને દૂર કરી, ખોદકામ કરી પાઈપો નાંખવામાં આવી રહ્યા છે. ખેડૂતોને પાકના નુકસાનનું વળતર ચૂકવવામાં આવતું નથી. આ પ્રત્યે ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ છે. જો દિન-દશમાં આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો માજી પંચાયતમંત્રી રમણભાઈ ચૌધરીના નેતૃત્વમાં ખેડૂતો કલેક્ટર તથા માંગરોળના મામલતદારને આવેદનપત્ર પેશ કરશે.