(સંવાદદાતા દ્વારા) અંકલેશ્વર, તા.૧૭
કોરોના વાયરસની મહામારી અને પાયાના રોજબરોજના અહેવાલો વચ્ચે કેટલાક એવા પણ કિસ્સાઓ સામે આવે છે જે આંખોને ભીની અને હૃદયને ફૂલ કરતાં પણ વધુ કોમળ બનાવી દે છે. અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં આવો જ એક અજાણ્યો પરંતુ સત્ય કિસ્સો સામે આવ્યો છે.અંકલેશ્વર ચોર્યાસી ભાગોળ વિસ્તારમાં રહેતા જશવંતભાઈ સોલંકી ૫૫ વર્ષની વયના છે. તેઓ છેલ્લા ૨૫ વર્ષથી જયાબેન મોદી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે ફરજ બજાવે છે. તેમના પરિવારમાં આશરે ૮૦ વર્ષના વૃદ્ધ માતા અને પત્ની સુધાબેન સોલંકી છે. ૧૦મી તારીખથી જ જ્યારે જયાબેન મોદી હોસ્પિટલ કોરોનાના દર્દીઓ માટે સજ્જ થઈ ત્યારથી જશવંતભાઈ હોસ્પિટલમાં જ ફરજ બજાવી રહ્યા છે. આ અંગે તેમણે પોતાના પત્ની સુધાબેનને જાણ કરી છે પરંતુ વૃદ્ધ માતાને આ બાબતથી અજાણ રાખી છે. જશવંતભાઈના માતા છેલ્લા એક સપ્તાહથી પોતાના દીકરાને જોવા માટે તડપી રહ્યા છે. દીકરો ક્યારે આવશે એની રાહ જોતા તેઓ દિવસનો મોટા ભાગનો સમય પોતાના સામાન્ય ઘરની બહારના ઓટલા પર બેસીને વિતાવે છે અને મીટ એમના દીકરાના આગમનના રસ્તા પર મંડાયેલી હોય છે.
પત્ની સુધાબેન સોલંકીએ જણાવ્યું હતું કે એક તરફ મારા પતિ સાથે આટલો લાંબો વિયોગ હજી સુધી ભોગવ્યું નથી જેથી એમની ચિંતા પણ થાય છે પરંતુ સાથે ગર્વની પણ લાગણી અનુભવું છું કે મારા પતિ આવા કપરા સમયમાં પણ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે હું હંમેશાં સલામતીની જ પ્રાર્થના કરૂં છું અને બને એટલા વહેલા તેઓ ઘરે આવે એની રાહ જોઉં છું.