(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૭
આરટીઓ કચેરીમાંથી કાચું ડ્રાઇવિંગ લાઇસન્સ ઇશ્યુ કરવાની કામગીરી હવે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે, ત્યારે ગુજરાત હાઇકોર્ટમાં કાચું લાઇસન્સ ઇશ્યૂ કરવાની પ્રક્રિયાને પડકારતી એક જાહેર હિતની અરજી દાખલ થઇ હતી. ડ્રાઇવિંગ લાયસન્સ ઈસ્યુ કરવા માટેની કામગીરી આરટીઓ સિવાયની અન્ય સંસ્થાઓને સોપવામાં આવેલ છે. અરજદારની રજૂઆત હતી કે અન્ય સંસ્થાને કાચુ લાયસન્સ આપવાના અધિકારોની સાથે વધારાના સો રૂપિયા જે પ્રતિ લાયસન્સ જે તે સંસ્થાને આપવામાં આવે છે તે પ્રજાએ ભરેલા ટેક્ષ માંથી ચૂકવાય છે આમ જનતાના ખિસ્સા ઉપર બોજ સમાન છે બીજુ કે આ સંસ્થાઓ ડ્રાઇવિંગ લાઇસન્સ ઇશ્યુ કરવા માટે ફક્ત થોડો કલાક જ કામગીરી કરે છે. તે સિવાય આ સંસ્થાઓ પાસે કોઈ જાતના આધાર-માળખું નથી અને પૂરતા પ્રમાણમાં કર્મચારીઓ પણ નથી. તેથી લાઇસન્સ મેળવવા માટે લાંબી લાઇનો લાગે છે.આમ જનતાને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તથા તેમના સમયનો વ્યય થાય છે. સાથે સાથે જે પણ કર્મચારી કાચું લાયસન્સ ઈસ્યુ કરવાની પ્રક્રિયા હાથ ધરે છે, તે પણ કેન્દ્ર સરકાર દ્વારા કાચુ લાયસન્સ ઇશ્યૂ કરવા માટે જે લાયકાત નક્કી કરવામાં આવી છે તે લાયકાત પ્રમાણેના નથી હોતા. આ કારણોસર આવી રીતે અન્ય સંસ્થાઓને ડ્રાઇવિંગ લાઇસન્સ ઇશ્યુ કરવાની પરવાનગી આપવાનો કોઈ અર્થ નથી રહેતો. ઓબ્જેક્શન ટેસ્ટનો ડેટા અને તેની સામગ્રી પણ આ સંસ્થાઓ નક્કી કરે છે. જ્યારે વાહન વ્યવહાર અધિનીયમ પ્રમાણે સક્ષમ અને એક્સપર્ટ અધિકારી દ્વારા તમામ ડેટા અને સામગ્રી ધ્યાનમાં લેવામાં અને નક્કી કરવામાં આવવી જોઈએ. આ કારણોસર ખોટી રીતે અને બોગસ કાચા લાયસન્સ જારી કરવામાં આવે તો તે અત્યંત જોખમી છે અને રસ્તા ઉપાડતા નીકળતા લોકો માટે પણ જાનમાલની સુરક્ષાની દ્રષ્ટિએ ખતરારૂપ છે. ઉપરના તમામ પાસાઓ જોતા કાચુ લાયસન્સ આપવાની સંપૂર્ણ પ્રક્રિયા જ કેન્દ્ર સરકારના વાહન વ્યવહાર અધિનિયમની વિરુદ્ધ છે અને કેન્દ્ર સરકારના વાહન વ્યવહારના અધિનિયમને નેવે મૂકીને કેવી રીતે રાજ્ય સરકાર નોટિફિકેશન બહાર પાડી શકે? આ સંસ્થાઓ દ્વારા જે લાઇસન્સ ઇસ્યુ કરવામાં આવે છે તેમાં પણ ઘણા છબરડાઓ સામે આવ્યા છે અને વખતો વખત એસીબીની રેડ પડે છે. આ સંસ્થાઓ દ્વારા જારી કરવામાં આવતા કાચા ડ્રાઇવિંગ લાઇસન્સ માંના ઘણા લાયસન્સ માં ડ્રાઇવિંગ લાઇસન્સ ધારકના ફોટા નથી હોતા અથવા તો તેમના ફોટા, નામ, સરનામા અને અન્ય વિગતો માં છબરડા હોય છે. બન્ને પક્ષે રજૂઆતો સાંભળ્યા બાદ હાઈકોર્ટે આ અંગેનો પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે.