કોડીનાર,તા.૧૬
કોડીનાર તાલુકાના કાજ ગામે ગેરકાયદે જીંગા ઉછેર કેન્દ્રના સંચાલકોએ જીંગા ઉછેરના તળાવોમાંથી ખારૂ પાણી સોડમ બંધારા યોજનામાં છોડવાનું ચાલુ કરતાં સરકારની મીઠા પાણીની કરોડો રૂા.ની યોજના ઉપર પાણી ફેરવવા અને કુંદરતી સંસાધનને નુકસાન પહોંચાડવાની થતી કામગીરી સામે કાજના ગૌરક્ષક અમરશીભાઈ રાપસિંહભાઈ પરમારે ભારતના વડાપ્રધાન, ગુજરાતના મુખ્યમંત્રી, ચીફ જન. ગુજ. હાઈકોર્ટ તથા માનવ અધિકાર પંચ સહિતનાને એક વિસ્તૃત પત્ર પાઠવી જીંગા ઉછેર કેન્દ્ર ચલાવતા લોકો સામે શિક્ષાત્મક પગલા ભરવા માગણી કરી છે.
કેટલાક ગૌ પ્રેમી લોકોએ અવાજ ઉઠાવ્યો છે કે, તંત્ર દ્વારા ગેરકાયદે જીંગા ઉછેર કેન્દ્ર સામે પગલાં નહી લેવાતા છેવટે આ પ્રશ્ન હાઈકોર્ટમાં લઈ જવાતા હાઈકોર્ટ દ્વારા ગેરકાયદે જીંગા ઉછેર સામે પગલાં ભરવા હુંકમ કરાયો હતો પરંતુ હુકમની અમલવારી કરાવવા આવનાર તંત્ર દ્વારા જીંગા ઉછેર કેન્દ્રના માલિકો સામે કુણી લાગણી રાખી એકાદ-બે નકામા તળાવો દૂર કરી કામ કર્યાનો સંતોષ માન્યો હતો. જેથી ગૌરક્ષકો દ્વારા ફરી હાઈકોર્ટમાં ઘા નાખતા ગેરકાયદે જીંગા ઉછેર કેન્દ્ર ચલાવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.ગેરકાયદે જીંગા ઉછેર કરતાં લોકો દ્વારા આ સોડમ બંધારામાં ખારૂ પાણી ઠલવીને સરકારની કરોડો રૂા.ની યોજના ઉપર પાણી ફેરવવું ચાલુ કર્યું છે ત્યારે સરકાર દ્વારા કડક પગલાં ભરવાની માગણી કરી છે.