(સંવાદદાતા દ્વારા)
પાલનપુર, તા.૧૯
બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરથી પાંચ કિમીના અંતરે આવેલ કાણોદર ગામના રર વર્ષીય મુસ્લિમ યુવાન સફીન હસને તાજેતરમાં જીપીએસસી પરીક્ષા પાસ કરી જિલ્લા રજિસ્ટ્રાર બનતાં કાણોદરનું ગૌરવ વધાર્યું છે. જો કે જિલ્લા રજિસ્ટ્રારના હોદ્દાથી સંતોષ ના થતાં અને કલેક્ટરનું સ્વપ્ન સિદ્ધ કરવા ર૩મી માર્ચે યુપીએસસીનું ઈન્ટરવ્યુ આપવા જશે.
“મન હોય તો માળવે જવાય” “સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય” જેવી કહેવતોને સાર્થક કરી છે. પાલનપુર પાસેના કાણોદર ગામના મુસ્તુફાભાઈ તથા નસીમબેનના પુત્ર સફીને આર્થિક સ્થિતિ નબળી છતાં ઉચ્ચ અધિકારી બનવાનું સ્વપ્ન સફીને જોયું. તેના પિતા મુસ્તુફાભાઈ હસન લોકોના મકાનો અને દુકાનોમાં ઈલેક્ટ્રીક કામ કરે છે જ્યારે માતા નસીમબેન ૧૩ વર્ષ સુધી કાણોદર ગામમાં જ હીરા ઘસવા જતાં હતાં. અત્યંત દારૂણ ગરીબીમાં ઉછરી ટાંચા સાધનો વચ્ચે સફીન હસને અભ્યાસ કર્યો. માતા નસીમબેન અને પિતા મુસ્તુફાભાઈએ સફીનનું શિક્ષણ કાણોદરની જ સરકારી શાળામાં કરાવ્યું હતું. સફીનના માતા-પિતાએ જણાવ્યું હતું કે સફીને ધો.પાંચમાં જ સ્વપ્ન જોયું હતું કે કલેક્ટર બનવું છે. સફીન જેમ-જેમ આગળ ભણતો ગયો તેમ તેમ ખબર પડી કે આગળ શું કરવાનું છે. સફીને કોલેજ પછી સુરતમાં એન્જિનિયરીંગ કર્યું. યુપીએસસીના પ્લાનિંગની તૈયારી પર ફોકસ કર્યું હતું. જીપીએસસી પરીક્ષા આપવાનો મોકો મળી ગયો અને સદ્‌નસીબે પહેલા જ પ્રયાસમાં ૩૪મો ક્રમાંક હાંસલ કર્યો અને જેના લીધે જિલ્લા રજિસ્ટ્રાર અધિકારીની પોસ્ટ મળી ગઈ.
સફીન હસને જણાવ્યું કે, મારા માતા-પિતાએ મને સપના જોવાની આઝાદી આપી હું તેમનો આભારી છું. મારા જ ગામના હુસેનભાઈ પોલરા અને તેમના પત્ની ઝરીનાબેન પોલરાએ મારા સપનાને પાંખો આપી અને તેમના સંતાનની જેમ તેઓ મને ખૂબ મદદરૂપ બન્યા.
સફીન હસને આજના મુસ્લિમ યુવાનોને શીખ આપતાં જણાવ્યું હતું કે મહેનત ધગશ અને પ્લાનિંગ મુજબનો અભ્યાસ કરશો તો અલ્લાહ જરૂર કામયાબ કરે છે.