છાપી, તા. ૩૦
પાલનપુરના કાણોદર ગામે એક દુકાનદાર પાસે પાછળ આવેલી સોસાયટીના રસ્તે ચાલવા બાબતે કાણોદરના સરપંચે દુકાનદાર પાસે પાંચ હજાર રૂપિયાની માગણી કરી અને જો નહીં આપો તો સોસાયટીના રસ્તામાંથી ચાલવા નહીં દઇએ અને તમારી દુકાન બંધ કરાવી દઈશું તેવી ધમકી ઉચ્ચારી હતી. જો કે દુકાનદાર નાણાં આપવાની ના પાડતા સરપંચ દ્વારા રહેણાંકના પ્લોટના નળ કનેક્શનનો ઉપયોગ કોમર્શિયલ કરતા હોવાની નોટિસ આપી નળ કનેક્શન કાપી નાંખવાની ધમકી ઉચ્ચારી નોટિસ ફટકારી હતી.
પાલનપુર તાલુકાના કાણોદર ગામે સાગર બેકરીના નામે દુકાન ચલાવતા અબ્દુલહનાન અ. રહીમ કડીવાલને કાણોદરના સરપંચ ઝહિરભાઈ ચૌધરી આવીને કહ્યું કે, રૂપિયા ન આપવા પડે તેથી વકીલ દ્વારા નોટિસનો જવાબ આપો છો તેમ કહી તારીખ ૨૮/૫ /૨૦૧૮ રોજ નળ કનેક્શન કાપી નાખી દુકાન ઉપર આવી ને મારો કોલર પકડી મને લાફો મારી સાથે રહેલ અન્ય ત્રણ જણાએ મને ગડદાપાટુનો મારમારતા બૂમાબૂમ કરતા અન્ય લોકો ભેગા થઈ મને છોડાવ્યો હતો અને જતા જતા મને જાનથી મારી નાંખવાની ધમકી આપી ધંધો બંધ કરાવી દેવાની ચીમકી આપી હતી જેથી પીડિત અબ્દુલભાઇ એ સરપંચ ઝહીર ચૌધરી, દિલબર કરીમદ ધુડા (સભ્ય)અહમદ મુખી અને મુસ્તાક મુખી સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ચારે વિરુદ્ધ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.