• ૧૧ સ્થળોએ લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી ઓછું

• આગામી બે દિવસ અનેક સ્થળોએ કોલ્ડવેવની આગાહી

• કાતિલ ઠંડીથી જનજીવન પ્રભાવિત

અમદાવાદ, તા.ર૯
રાજ્યભરમાં હવામાન વિભાગની આગાહીને સાચી ઠેરવતા શિયાળાએ જબરદસ્ત જોર મારતા લઘુતમ તાપમાનમાં જોરદાર ઘટાડો થયો છે. જ્યારે ઉત્તર ભારતની હિમવર્ષાની સીધી અસર ગુજરાતમાં જોવા મળી છે. જેને પગલે રાજ્યના ૧૧ જેટલા સ્થળોએ લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. અનેક વર્ષોનો રેકોર્ડ તોડી નાખતી ઠંડીએ સમગ્ર પ્રકૃતિને બાનમાં લઈ લીધી છે. નલિયામાં પારો ર.૭ ડિગ્રી જેટલો નીચે જતાં લોકો હાડ થીજવતી ઠંડીના કોપથી ધ્રૂજી ઉઠ્યા છે. જ્યારે સમગ્ર રાજ્યમાં પણ કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. જ્યારે આગામી બે દિવસ આ કાતિલ ઠંડીથી રાહત મળે તેવું દેખાતું નથી. હવામાન વિભાગ દ્વારા કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તેમજ ગાંધીનગર સહિત રાજ્યમાં કેટલાક સ્થળોએ આગામી બે દિવસ કોલ્ડવેવની આગાહી કરી છે.


રાજ્યમાં શિયાળો બરોબર જામી ગયો છે અને આવનાર ર૦ર૧ના વર્ષનું સ્વાગત કાતિલ ઠંડીથી થવાનું હોય તેમ સમગ્ર રાજ્યમાં અતિ તીવ્ર ઠંડી પડી રહી છે. ઉત્તર ભારતમાં પડી રહેલી કાતિલ ઠંડી અને હિમવર્ષા તેમજ કાતિલ સૂકા ઠંડા પવનોની અસરને કારણે હાલ સમગ્ર ગુજરાતમાં લોકો હાડ થીજવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. મંગળવારના રોજ વહેલી સવારથી જ દિવસભર ફૂંકાઈ રહેલા ઠંડા પવનોએ જાણે કે સમગ્ર જનજીવનને બાનમાં લીધું હોય તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. ઠંડીથી બચવા લોકોએ ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લીધો હતો. વહેલી સવારથી ફૂંકાતા પવનો અને ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી. ૧૦૦ મીટર દૂર પણ જોવું મુશ્કેલ પડી રહ્યું હતું. લોકોએ કામ વગર ઘરમાંથી બહાર નીકળવાનું ટાળ્યું હતું. સમી સાંજે પણ ગામડાઓમાં રોડ-રસ્તા સૂમસામ ભાસતા હતા જ્યારે શહેરોમાં પણ બજારોમાં સીમિત ભીડ જોવા મળી હતી. વાત કરીએ લઘુતમ તાપમાનની તો નલિયામાં સૌથી ઓછું ર.૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જેને પગલે નલિયાવાસીઓ ધ્રુજી ઉઠ્યા હતા. જ્યારે કેશોદમાં ૬.ર, ડીસામાં ૬.૬, ગાંધીનગર અને કંડલા એરપોર્ટમાં ૭.પ, પોરબંદરમાં ૭.૮, રાજકોટ અને મહુવામાં ૮.૩, ભૂજમાં ૯.૦, વી.વી. નગરમાં ૯.૧, કંડલા પોર્ટમાં ૯.પ, વડોદરામાં ૧૦.૦ અને અમદાવાદ તેમજ અમરેલીમાં ૧૦.ર ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે આગામી બે દિવસ આ ઠંડીમાં કોઈ રાહત મળે તેવી શક્યતા નથી. રાજ્યમાં અનેક સ્થળોએ કોલ્ડવેવની સ્થિતિ જોવા મળશે. બીજી તરફ જૂનાગઢમાં ગીરનાર પર્વત પર તાપમાન ર.૮ ડિગ્રી નોંધાતા પર્વતીય વિસ્તારમાં હિમાલય જેવી અનુભૂતિ થઈ હતી. જ્યારે ડીસામાં ઠંડીએ છેલ્લા ૧૦ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ઉત્તર ભારતમાં આગામી ત્રણ દિવસ કાતિલ ઠંડીનો કેર જોવા મળશે. જેને પગલે ગુજરાતમાં કોલ્ડવેવની સ્થિતિ રહેશે. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં હાલ ઉત્તર તરફથી પવનો ફૂંકાતા ઠંડીમાં વધારો થયો છે. જેના કારણે આગામી બે દિવસ કોલ્ડવેવની સ્થિતિ જોવા મળશે. આગામી બે દિવસ દરમિયાન અનેક સ્થળોએ હજુપણ લઘુતમ તાપમાનમાં ઘટાડો જોવા મળશે. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી બે દિવસોમાં ૩૦મી ડીસેમ્બરના રોજ કચ્છ તેમજ અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર અને જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ તેમજ ૩૧ ડીસેમ્બર બાદ લઘુતમ તાપમાનમાં સામાન્ય વધારો થતાં ઠંડીનું જોર ઘટવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. ત્યારે ઠંડીથી બચવા ગરમ વસ્ત્રો પહેરવાનું અને કામ વગર ઘરની બહાર ન જવાનું તેમજ વૃદ્ધો અને બાળકોની ખાસ તકેદારી રાખવાનું તબીબો અને જાણકારો જણાવી રહ્યા છે.