(એજન્સી) લખનૌ, તા.૩
એક ચકચારી ઘટનામાં ઉત્તરપ્રદેશના કાનપુર નજીક થયેલા દિલધડક એન્કાઉન્ટરમાં એક નાયબ એસપી સહિત આઠ પોલીસ કર્મીઓ માર્યા ગયા હતા. પોલીસ કુખ્યાત બદમાશ વિકાસ દુબેને પકડવા ગઈ હતી. ડીએસપીની ઓળખ દેવેન્દ્ર મિશ્રા તરીકે થઈ હતી. એડીજી લો એન્ડ ઓર્ડર ઓ.પી.સિંહે જણાવ્યું હતું કે, હિસ્ટ્રી શિટર વિકાસ દુબે સામે ભારતીય દંડસંહિતાની કલમ ૩૦૭ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ વિકાસ દુબેને દબોચવા માટે ગઈ હતી. પોલીસના વાહનોને રોકવા ગામમાં જેસીબી ગોઠવવામાં આવ્યા હતા જ્યારે પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે ગુનેગારોએ તેમની પર ગોળીઓ વરસાવી હતી. સામ-સામે ગોળીબાર થયો હતો પણ ગુનેગારો ઊંચાઈ પર હોવાથી આઠ પોલીસ કર્મચારીઓ શહીદ થયા હતા. આ આંચકાજનક ઘટના પોલીસની નિષ્ફળતા દર્શાવે છે. ઉત્તરપ્રદેશ પોલીસની બિનકાર્યક્ષમતાનો પર્દાફાશ થયો હતો. કુખ્યાત અપરાધી વિકાસ દુબે સામે ૬૦ જેટલા કેસો નોંધાયેલા છે. આ ઘટના ગઈ રાત્રે ચૌબેપુર પોલીસ સ્ટેશન હેઠળ આવતાં દિકરુ ગામ ખાતે બની હતી. પોલીસ જ્યારે દુબેના આશ્રયસ્થાન ખાતે પહોંચી ત્યારે ધડાધડ ગોળીઓ વરસાવવામાં આવી હતી. સમગ્ર ઘટના મામલે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રિપોર્ટ મંગાવ્યો છે. આ ખોફનાક એન્કાઉન્ટરમાં ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ તથા સર્કલ ઓફિસર બિલહોર દેવેન્દ્ર મિશ્રા, સ્ટેશન ઓફિસર મહેશ યાદવ, એક સબ-ઈન્સ્પેકટર તથા પાંચ કોન્સ્ટેબલોએ જાન ગુમાવ્યા હતા જ્યારે ડઝન જેટલા પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા. ઉત્તરપ્રદેશના પોલીસ વડા એચ.સી.અવસ્થીએ જણાવ્યું હતું કે, દુબેને કદાચ દરોડાની માહિતી મળી ગળી હતી. દુબે સામે રાહુલ તિવારી નામક વ્યક્તિએ હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસ ટીમ તેને પકડવા પહોંચી હતી. દુબે સામે ર૦૦૧માં શિવલી પોલીસ સ્ટેશન ખાતે રાજનાથસિંહ સરકારના મંત્રી સંતોષ શુકલાની હત્યાનો કેસ પણ નોંધાયો હતો. સિદ્ધેશ્વર પાંડે હત્યા કેસમાં પણ દુબેનું નામ ખુલ્યું હતું. દુબે નગર પંચાયતની ચૂંટણીમાં પણ ચૂંટાયો હતો. હાલ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે હાજર છે. ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી રહી છે. યોગીએ અધિક મુખ્ય સચિવ, ગૃહ એન્ડ ડિરેકટર જનરલ ઓફ પોલીસ સાથે વાત કરી કડક પગલાં ભરવા જણાવ્યું હતું.