(એજન્સી) લખનૌ, તા.૯
કાનપુરમાં ૮ પોલીસ કર્મચારીઓ પર ગોળીબાર કરી તેમની હત્યા કરનાર કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબેના વધુ બે સાગરિત પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયા છે. આ પહેલા અમર દુબેને એન્કાઉન્ટર કરી ઠાર માર્યો છે. વિકાસ દુબેના નજીક ગણાતા બઉઆ દુબે અને પ્રભાત મિશ્રા પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયા છે. પ્રભાત મિશ્રા ફરીદાબાદમાં જ્યારે બઉઆ દુબે ઇટાવામાં ઠાર મરાયો છે.
આ અંગે મળતી માહિતી અનુસાર પ્રભાત મિશ્રાને પોલીસે ફરીદાબાદની એક હોટલમાંથી ધરપકડ કરી હતી. દરમિયાન પોલીસની કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતા પ્રભાતને એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો.
પ્રભાત મિશ્રાના એન્કાઉન્ટર અંગે આઇજી મોહિત અગ્રવાલે જણાવ્યું કે, પોલીસની ટીમ પ્રભાતને લઇને ફરીદાબાદથી આવી રહીં હતી ત્યારે રસ્તામાં ગાડીના ટાયરમાં પંચર પડ્યું. આ દરમિયાના પ્રભાત પોલીસના હથિયાર છીનવી ભાગવનો પ્રયાસ કરતા એન્કાઉન્ટરમાં ઠાર મરાયો. ઘટનામાં કેટલાક પોલીસકર્મી ઘાયલ થયા છે. તેમણે જણાવ્યું કે પોલીસને એક ટીપ મળી હતી કે ફરીદાબાદની એક હોટલમાં વિકાસ દુબે છુપાયો છે. ત્યાર બાદ પોલીસની ટીમે હોટલમાં દરોડા પાડ્યાં. જ્યાં વિકાસ દુબે તો ન મળ્યો પરંતુ પ્રભાત મિશ્રા અને અન્ય બે આરોપી પકડાયા.

કાનપુર શૂટઆઉટ કેસનો ઘટનાક્રમ…..

૨ જુલાઈ : વિકાસ દુબેની ધરપકડ કરવા ૩ પોલીસ સ્ટેશનના પોલીસે બિકરૂ ગામમાં દરોડા પાડ્યા, વિકાસની ગેંગે ૮ પોલીસકર્મીઓની હત્યા કરી દીધી.
૩ જુલાઈ : પોલીસે સવારે ૭ વાગે વિકાસના મામા પ્રેમપ્રકાશ પાંડે અને સહયોગી અતુલ દુબેનું એન્કાઉન્ટર કરી દીધું. ૨૦-૨૨ નામજોગ સહિત ૬૦ લોકો સામે ફરિયાદ નોંધી.
૫ જુલાઈ : પોલીસે વિકાસના નોકર અને ખાસ સહયોગી દયાશંકર ઉર્ફે કલ્લુ અગ્નિહોત્રીને ઘેરી લીધા. પોલીસની ગોળી વાગતા દયાશંકર ઘાયલ થયો. તેણે ખુલાસો કર્યો કે, વિકાસે પહેલેથી પ્લાનિંગ કરીને પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો.
૬ જુલાઈ : પોલીસે અમરના સગા ક્ષમા દુબે અને દયાશંકરની પત્ની રેખા સહિત ૩ની ધરપકડ કરી. શૂટઆઉટની ઘટના વખતે પોલીસે મદદ માટે ક્ષમા દેવીનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ તેણે મદદ કરવાની જગ્યાએ બદમાશોને પોલીસનું લોકેશન જણાવી દીધું હતું. રેખાએ પણ બદમાશોની મદદ કરી હતી.
૮ જુલાઈઃ STFએ વિકાસના ખાસ અમર દુબેને ઠાર કર્યો. પ્રભાત મિશ્રા સહિત ૧૦ આરોપીઓની ધરપકડ કરી.
૯ જુલાઈ : પ્રભાત મિશ્રા અને બઉઆ દુબે એન્કાઉન્ટરમાં ઠાર કરાયા.
૯ જુલાઇ : ગેંગસ્ટરની નાટ્યાત્મક ધરપકડ

અનેક અપરાધીઓ જેલમાંથી પોતાનું રાજ ચલાવી રહ્યા છે : શહીદ સીઓ દેવેન્દ્રના પરિવારનો સવાલ

કાનપુર શૂટઆઉટમાં શહીદ થયેલા સીઓ દેવેન્દ્ર મિશ્રાનાં પરિવારે પણ વિકાસ દુબેની નાટકીય ધરપકડ પર પ્રશ્નો ઉઠાવ્યા છે. સીઓનાં સંબંધી કમલકાંતે કહ્યું કે, “અનેક અપરાધીઓ જેલમાંથી પોતાનું રાજ ચલાવી રહ્યા છે. ૧૨ કલાક પહેલા જ વિકાસ ફરીદાબાદમાં હતો અને તરત જ તે ઉજ્જૈન પહોંચી ગયો. બહુ સુનિયોજિત રીતે તેનું સરેન્ડર કરાવવામાં આવ્યું છે. કઈ પોલીસ ધરપકડ માટે મીડિયાને લઇને આવે છે ?” વિકાસ દુબેને ઝડપવા માટે યૂપી પોલીસ અનેક રાજ્યોમાં તપાસ કરી રહી હતી.