આ અગાઉ સરદાર પટેલના નામની જગ્યાએ ગુજરાતી અને અંગ્રેજીમાં માત્ર અદાણીના નામનું સ્વાગત બોર્ડ મૂકાયું હતું

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૪
કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદ સહિત દેશના કેટલાક એરપોર્ટના સંચાલનનું કામ અદાણી ગ્રુપને સોંપવામાં આવ્યું છે. એરપોર્ટનો હવાલો સોંપાયા બાદ સોશિયલ મીડિયામાં એક તસવીર વાઈરલ થઈ હતી. જેમાં ગુજરાતીમાં ‘અમદાવાદમાં આપનું સ્વાગત છે’ તેમજ અંગ્રેજીમાં ‘વેલકમ ટુ અહમદાબાદ’ લખ્યું હતું. હોડિંગ્સમાં બંને તરફ અદાણી એરપોર્ટ એવું લખવામાં આવ્યું હતું. આ તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાઈરલ થયા બાદ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ટ્‌વીટ કરીને વિરોધ વ્યક્ત કર્યા બાદ અને તે અંગેના અહેવાલ મીડિયામાં પ્રસિદ્ધ થયા બાદ હોર્ડિંગ્સ બદલી નાખવામાં આવ્યું છે. અમદાવાદ શહેરના એરપોર્ટનું સરકાર દ્વારા ખાનગીકરણ કરવામાં આવ્યું હતું. ખાનગીકરણ કર્યા બાદ એરપોર્ટના હોર્ડિંગ્સમાંથી ‘સરદાર વલ્લભભાઇ પટેલનું’ નામ ગાયબ થયું હતું. અને તેની જગ્યાએ અદાણી એરપોર્ટ એવા લખેલા હોર્ડિંગ્સ મૂકાયા હતા. આ નામ ગાયબ થવાથી વિપક્ષે સરકાર સામે બાયોં ચડાવી હતી અને આકરા પ્રહારો કરતા આ મામલો ગરમાયો હતો. જોકે મામલો ગરમાતા વિવાદ બાદ અમદાવાદ એરપોર્ટ પરના બોર્ડમાં બદલાવ કરવામાં આવ્યો હતો. વાત એમ હતી કે સ્વાગત બોર્ડમાં સરદાર વલ્લભભાઈ પટેલના નામની જગ્યાએ અદાણી એરપોર્ટ અને ગુજરાતીમાં ‘અમદાવાદમાં આપનું સ્વાગત છે’ અને અંગ્રેજીમાં ‘વેલકમ ટુ અહમદાબાદ’ એવું લખાણ લખેલી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. ત્યારે આ મામલે ભારે હોબાળો સર્જાયો હતો અને વિપક્ષે સત્તાધારી પક્ષ પર આકરા પ્રહારો કર્યો હતા. વિવાદ વકરતા આખરે બોર્ડ બદલાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે આ મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ટિ્‌વટ કરીને સરકાર પર નિશાન પણ તાક્યું હતું. અમિત ચાવડાએ ટિ્‌વટરમાં લખ્યું હતું કે સરદાર પટેલના નામે રાજનીતિને ચમકાવનાર ભ્રષ્ટ ભાજપ સરકાર, જે પક્ષે ફક્ત પોતાની રાજ-કાજને ચમકાવવા માટે સરકારે પોતાના ઉદ્યોગપતિ મિત્રને રાજી-ખુશ કરવામાં ગુજરાતના અમદાવાદ એરપોર્ટમાંથી દેશ લોંખડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ગાયબ કરીને અદાણી એરપોર્ટ કરી દીધું છે. આ અંગેનો અહેવાલ મીડિયામાં પ્રસિદ્ધ થયા બાદ સરકારને ભાન થતાં વિવાદિત હોર્ડિંગ્સ તુરત જ બદલી નાખવામાં આવ્યું છે. હવે નવા હોર્ડિંગ્સમાં બંને તરફ અદાણી એરપોર્ટ અને વચ્ચે મોટા અક્ષરમાં ‘સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર આપનું સ્વાગત છે’ એવું લખાણ જોવા મળી રહ્યું છે.