ભરૂચ, તા.રપ
અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામ ખાતે મસ્જિદ – મદ્રેસા ટ્રસ્ટની મહામૂલી જમીનો હડપ કરી વેચી મારવાના કરોડો રૂપિયાના કથિત કૌભાંડો અંગે વકફ ટ્રીબ્યુનલમાં એક તરફ ન્યાયીક પ્રક્રિયા ચાલુ હોય ત્યારે ટ્રીબ્યુનલથી ઉપરવટ નનામી અરજીના આધારે વકફ બોર્ડ દ્વારા કથિત રીતે કાપોદ્રા ગામે મસ્જિદ મદ્રેસા ટ્રસ્ટમાં નવા ટ્રસ્ટી મંડળની નિમણૂંક નહીં કરવા હુકમ કરતાં લોકો આશ્ચર્ય સાથે ચોંકી ઉઠ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા ગત તા.૧૧/૭/ર૦૧૯ના રોજ જાવક નંબર ૭૭૩રથી મુખ્ય કારોબારી અધિકારી દ્વારા અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામે મસ્જિદ મદ્રેસા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ કે જેમના ઉપર કરોડો રૂપિયાની મિલકત હડપ કરી વગે કરવાના કથિત આક્ષેપો છે.
તેઓની ટર્મ પૂરી થતી હોય નવા ટ્રસ્ટી મંડળની નિમણૂક કરવાની થતી હોવા છતાં વકફ ટ્રીબ્યુનલ તથા હાઈકોર્ટમાં સદર ટ્રસ્ટ અંગે દાવા તથા અપીલો ચાલતી હોવાની રૂએ કેસોના નિર્ણય ન આવે ત્યાં સુધી નવા ટ્રસ્ટી મંડળની નિમણૂંક નહીં કરવાનો વિવાદાસ્પદ હુકમ કરતાં લોકો ચોંકી ઉઠ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કાપોદ્રા મસ્જિદ-મદ્રેસા ટ્રસ્ટની ૮ જેટલી સોનાની લગડી જેવી જમીનો વગે કરવાના કૌભાંડમાં વ્હીસલ બ્લોવરની ભૂમિકા ભજવનાર અશરફ લુલાતે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે કાપોદ્રા ગામનું એક પ્રતિનિધિ મંડળ વકફ બોર્ડના વિવાદાસ્પદ હુકમ અંગે તપાસ કરવા તેમજ કોની અરજીના આધારે હુકમ અપાયો તે અંગે તપાસ કરવા ગાંધીનગર વકફની ઓફિસે ગયા હતા. ત્યારે હાજર કર્મચારીઓએ અરજદારના નામ વગર નનામી અરજીના આધારે હુકમ કરાયો હોવાની માહિતી આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે કોઈપણ વકફ કે જાહેર ટ્રસ્ટમાં જે ટ્રસ્ટીઓ ઉપર કરોડો રૂપિયાના કૌભાંડોના આક્ષેપ હોય તથા આ બાબતો સબ જ્યુડીશ હોય તો ટર્મ પૂરી થવા છતાં આવા ઈસમોને હોદ્દા પરથી દૂર ન કરી શકાય. તે કયા કાયદાની જોગવાઈ હેઠળ છે ? તદ્‌ઉપરાંત ગુજરાત વકફ બોર્ડની કઈ સત્તાને આધિન આ હુકમ કરાયો છે ? તેવા પ્રશ્નો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. તો બીજી તરફ વકફ ટ્રીબ્યુનલ અને હાઈકોર્ટમાં આ અંગે જવાબદારો સામે પગલાં લેવા કાર્યવાહી આરંભ કરાઈ છે.