(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૯
શહેરના કાપોદ્રા વિસ્તારની બોમ્બે કોલોની પાસે દારૂ પીધા બાદ થયેલા ઝઘડાની અદાવત રાખી માથાભારે ત્રણ શખ્સોએ દારૂડિયા યુવાનની રેમ્બો છરાના ઘા મારી કરપીણ હત્યા કરી નાંખી હતી.આ હત્યારાઓ પૈકી વરાછા પોલીસે જયરાજ કાઠી નામના ઇસમની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૂળ ગારિયાધાર ભાવનગરનો વતની ૩૦ વર્ષીય જગદીશ ઉર્ફે એરૂ ગોરધનભાઈ મેર હાલમાં શહેરના કાપોદ્રા ચાર રસ્તા પાસે દારૂ પીને પડી રહેતો હતો.રખડુ જીવન ગુજારતા જગદીશની થોડા દિવસો પહેલાં દારૂના નશામા઼ જયરાજ નાનકુભાઈ ખુમાણ સાથે ઝઘડો થયો હતો. જેની અદાવત રાખી જયરાજે રવિવારે રાત્રે દારૂના નશામાં તેના બે મિત્રો સ઼જય અને જગા સાથે મળી રેમ્બો છરા વડે જગદીશ ઉર્ફે એરૂ પર હુમલો કરી છાતીના ભાગે તથા ડાબા હાથના કાંડા ઉપર જીવલેણ ઈજાઓ કરી કરપીણ હત્યા કરી નાસી છૂટયા હતા. વરાછા પોલીસને આ અંગે જાણ કરાતા પોલીસ ઈન્સ્પેક્ટર એમ.આઈ. ઝાલા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને હત્યારા જયરાજ ખુમાણ ઉર્ફે કાઠીને રેમ્બો છરા વડે પકડી પાડી તેની ધરપકડ કરી હતી. બીજી તરફ પીઆઈ ઝાલાએ જરૂરી કાર્યવાહી કરવાની સાથે આગળની તપાસ શરૂ કરી છે.