(એજન્સી) કાબુલ,તા.૨૫
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના શોર બજાર વિસ્તારમાં આવેલા એક શીખ ગુરૂદ્વારા પર કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછા ૨૭ લોકો માર્યા ગયા છે અને અન્ય કેટલાક ઘવાયા છે, જે પૈકી કેટલાકની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની સંભાવના છે. અફઘાનિસ્તાન મીડિયાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આ હુમલાની જવાબદારી આઇએસઆઇએસ ત્રાસવાદી સંગઠને સ્વીકારી છે. જોકે, ભારતીય ગુપ્તચર એજન્સીઓ એવું માને છે કે હુમલા પાછળ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇનો હાથ છે. તાલિબાનને દાબમાં રાખવા માટે પાકિસ્તાન ઇસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાં પ્રોવિન્સ (આઇએસકેપી)ને પ્રોત્સાહન આપી રહ્યું છે. કેન્દ્રીય સુરક્ષા એજન્સીમાં કામ કરતા એક અધિકારીએ જણાવ્યું કે હુમલાની જવાબદારી સ્વીકારવા આઇએસઆઇ અથવા કોઇ અજ્ઞાત સંગઠનોના નામનો ઉપયોગ કરશે. ત્રાસવાદી સંગઠનની અમક વેબસાઇટના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે હુમલા બાદ આઇએસઆઇએસએ ૧૫૦ લોકોને મારી નાખવા કે ઘાયલ કરવાનો દાવો કર્યો છે. જ્યારે રોઇટરના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ગુરૂદ્વારા પર હુમલાનો મૃત્યુઆંક થોડોક ઉંચો છે. ૩૦થી વધુ લોકો માર્યા ગયા છે અને ઘવાયેલા ૪૨ લોકોમાંથી ૨૦ની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની સંભાવના છે. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે અરદાસ માટે ગુરૂદ્વારામાં એકત્રિત થયેલા શીખ સમુદાયના લોકો પર આતંકવાદીઓએ બેફામ ગોળીબાર કર્યો હતો. હુમલા બાદ તરતજ અફઘાન સુરક્ષા કર્મીઓ અને વિદેશી સુરક્ષા દળો સક્રિય થયા હતા અને હુમલાખોરો સાથે આશરે છ કલાક સુધી અથડામણ ચાલુ રહી હતી અને બધા ચારે આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. હુમલા વખતે ગુરૂદ્વારામાં ૧૫૦ લોકો ઉપસ્થિત હતા. સ્થાનિક મીડિયા સાથેની વાતચીતમાં અફઘાન સુરક્ષા એજન્સીના સૂત્રોએ જણાવ્યું કે આઇએસઆઇ દ્વારા નિયંત્રિત હક્કાની નેટવર્ક કાબૂલમાં ભારતીય મિશન પર હુમલો કરવા માગતું હતું પરંતુ ભારે સુરક્ષાને કારણે ભારતીય મિશન પર હુમલો ન કરી શકાયો હોવાથી ભારતીય મિશનને બદલે ગુરૂદ્વારા પર હુમલો કરવામાં આવ્યો છે. જ્યારે તાલિબાનના પ્રવક્તા ઝબિહુલ્લાહ મુજાહિદે ટિ્‌વક કરીને સ્પષ્ટતા કરી કે ગુરૂદ્વારા પર હુમલામાં તાલિબાન સંડોવાયેલું નથી.

ભારતે કાબુલમાં શીખોના ધાર્મિક સ્થળ
પર ‘કાયરતાપૂર્ણ હુમલા’ને વખોડ્યો,
શક્ય બધી સહાયની ઓફર કરી

(એજન્સી) નવી દિલ્હી,તા.૨૫
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શીખ સમુદાયના ધાર્મિક સ્થળ ગુરૂદ્વારા પર આતંકીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાને ભારતના વિદેશ મંત્રાલયે ‘કાયરતાપૂર્ણ હુમલો’ ગણાવીને વખોડી કાઢ્યું છે અને અફઘાનિસ્તાનના હિન્દુ અને શીખ સમુદાયના અસરગ્રસ્ત પરિવારોને શક્ય બધી જ સહાય આપવાની ઓફર કરી છે. એસઆઇટીઇ ગુપ્તચર સંગઠનના જણાવ્યા મુજબ ગુરૂદ્વારા પર હુમલાની જવાબદારી આઇએસઆઇએસે સ્વીકારી છે. વિદેશ મંત્રાલયના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે હુમલામાં માર્યા ગયેલાઓના પરિવારના સભ્યો પ્રત્યે અમારી સહાનુભૂતિ છે અને ઘવાયેલાઓ વહેલા સાજા થાય એવી અમારી પ્રાર્થના છે. નિવેદનમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે સમગ્ર વિશ્વમાં કોવિડ-૧૯ મહામારી ફેલાઇ છે તેવા સમયે લઘુમતીઓના ધાર્મિક સ્થળોએ કાયરતાપૂર્ણ હુમલા, હુમલાખોરો અને તેમને સાથ આપનારાઓની ક્રૂરતાપૂર્ણ માનસિકતા દર્શાવે છે. કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહ પુરીએ પણ ગુરૂદ્વારા પર હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે.