(એજન્સી) અનાદોલુ,તા.૨૩
કાબુલ ઉપર શનિવારે કરાયેલ રોકેટ હુમલાઓને ઈરાને વખોડી કાઢ્યો છે. આ યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં આ હુમલાઓને એમણે પ્રોક્સી યુદ્ધના દાખલા તરીકે વર્ણવ્યું છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા સઈદ ખાતીબ્ઝાદેહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ હુમલાઓની સીધી જવાબદારી અમેરિકા ઉપર છે. અફઘાન મીડિયાના રિપોર્ટો મુજબ ઓછામાં ઓછા ૨૩ રોકેટો દ્વારા અફઘાનની રાજધાનીના જુદા જુદા ભાગોમાં શનિવારે સવારે હુમલો કરાયો હતો જેમાં ૮ લોકોના મોત થયા હતા અને ૩૧ ઘવાયા હતા. એમાંથી એક રોકેટ કાબુલ સ્થિતિ ઈરાનના દૂતાવાસ પર પડ્યો હતો જેના લીધે બિલ્ડીંગને મામુલી નુકસાન થયું હતું. જોકે કોઈ જાનહાની થઇ ન હતી. ખાતીબ્ઝાદેહે સરકાર અને અફઘાનિસ્તાનના લોકો સાથે સહાનુભૂતિ દર્શાવી હતી અને પુષ્ટિ કરી હતી કે એક રોકેટ ઈરાનના દૂતાવાસ પર પડ્યો હતો. ઈરાનના કાબુલ સ્થિત દૂતાવાસે પછીથી કહ્યું હતું કે બે રોકેટો દૂતાવાસના કમ્પાઉન્ડમાં પડ્યા હતા. જેમાંથી એક સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા નિષ્ક્રિય કરાયો હતો. આ ઘટનાને વિશ્વભરમાં વખોડી કાઢવામાં આવી છે પણ હજુ સુધી કોઈ પણ સંગઠને જવાબદારી સ્વીકારી નથી. હાલના કેટલાક વર્ષોથી અફઘાનિસ્તાનમાં ઘણા બધા ત્રાસવાદી સંગઠનો પોતાનો પ્રભુત્વ જમાવવા પ્રયાસો કરી રહ્યા છે. જેના લીધે ત્યાં સુરક્ષાની સ્થિતિ ખૂબ કથળી ગઈ છે. યુદ્ધના લીધે નાગરિકોના સામાન્ય જીવન ઉપર ઘેરી અસર થઇ રહી છે. તાલિબાન અફઘાન સરકાર અને એમના આંતરરાષ્ટ્રીય સાથીઓ સાથે શાંતિ મંત્રણાઓ કરી રહ્યું છે પણ એમણે આ સાથે એવા બીજા અનેક હુમલાઓની જવાબદારી સ્વીકારવા ઇનકાર કર્યો છે. જ્યારે ઈરાન યુદ્ધનો અંત લાવવા કાબુલના પ્રયાસોમાં તાલિબાન સાથે વાતચીત આગળ ધપાવવા મદદ કરી રહ્યું છે અને એ સાથે અમેરિકાના હસ્તક્ષેપનો સતત વિરોધ કરી રહ્યું છે. હાલના થોડા વર્ષોથી ઈરાને તાલિબાન સાથે સંબંધો વિકસાવ્યા છે. તાલિબાન ઈરાનમાં પોતાની ઓફિસ પણ શરુ કરવા વિચારી રહ્યું છે અને ઈરાન આ ગ્રુપને હથિયારો પણ પૂરા પડશે. જોકે આ હકીકતનું ઈરાને જોરદાર ખંડન કર્યું છે. ઈરાને જણાવ્યું છે કે આ વિસ્તારમાં શાંતિ સ્થાપનાનો એકમાત્ર વિકલ્પ અમેરિકા દ્વારા સૈન્ય વાપસી જ છે.