નવી દિલ્હી , તા.૩
મંગળવારે હોસ્પિટલની બહાર આત્મઘાતી હુમલો કરાયો હતો અને એ પછી બંદુકધારી હુમલાખોરોએ હોસ્પિટલમાં ઘૂસીને ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ. જેના જવાબમાં તાલિબાની સૈનિકોએ હોસ્પિટલમાં વળતી કાર્યવાહી કરી હતી. તાલિબાનનો દાવો છે કે, ૧૫ મિનિટમાં તમામ હુમલાખોરોને ઢાળી દેવામાં આવ્યા હતા. અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા કબ્જે કરી લીધા બાદ ઈસ્લામિક સ્ટેટ તેના માટે માથાનો દુખાવો બન્યુ છે. આ બંને આતંકી સંગઠનો એક બીજાનુ લોહી રેડી રહ્યા છે. મંગળવારે કાબુલની મિલટ્રી હોસ્પિટલમાં થયેલા બ્લાસ્ટમાં ૧૯ લોકોના મોત થયા છે અને તેમાં તાલિબાનના એક ટોપ કમાન્ડર હમદુલ્લાહ મુખલિસનો પણ સમાવેશ થાય છે. હમદુલ્લાહ મુખલિસ હક્કાની નેટવર્કનો સભ્ય હતો. તે કાબુલ મિલટ્રી કોર્પ્સનો ઓફિસર હતો. જ્યારે હમદુલ્લાહ મુખલિસને ખબર પડી કે હોસ્પિટલ પર હુમલો થયો છે ત્યારે તે ત્યાં પહોંચ્યો હતો. જોકે એ પછી વિદ્રોહીઓ સાથેની લડાઈમાં તેનુ મોત થયુ હતુ. બ્લાસ્ટની જવાબદારી ઈસ્લામિક સ્ટેટ ખુરાસને લીધી છે. તાલિબાનના દેશ પર કબ્જા બાદ આ સંગઠન સતત આતંકી હુમલા કરી રહ્યુ છે.