• રાજ્યમાં ૬,૦પ,ર૪૬ લોકો ક્વોરન્ટાઈનની કેદમાં • કોરોનાના કુલ કેસ ૧,૧૭,૭૦૯એ પહોંચ્યા • અત્યાર સુધી કુલ ૩રપ૯ લોકોએ કોરોના સામે દમ તોડ્યો, ૯૮,૧પ૬ લોકો સાજા થયા

અમદાવાદ, તા.૧૬
ગુજરાતમાં કોરોનાના દિવસેને દિવસે કેસો વધી રહ્યા છે. એટલે કે બેકાબૂ બનેલા કોરોનાને કાબૂમાં લેવા સરકાર દ્વારા કરાતા પ્રયાસો કેટલા અસરકારક નીવડે છે તેનો ખ્યાલ આવી જાય છે. જો કે કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકાવવાની જવાબદારી સરકારની સાથે સાથે પ્રજાની પણ એટલી જ છે. એટલે મહામારીના સમયે કોરોનાને ફેલાતો રોકવા પ્રજાએ પણ માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ સહિતની ગાઈડલાઈનનું અચૂક પાલન કરવું જોઈએ. પ્રજાની તકેદારી જ કોરોના સામેની જંગ જીતવામાં સફળતા અપાવશે. હાલ કોરોનાના કેસો ઘટવાનું નામ લેતા નથી. ત્યારે છેલ્લા ર૪ કલાકમાં રાજ્યમાં વધુ ૧૩૬૪ નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ ૧ર લોકોને કાળમુખો કોરોના ભરખી ગયો છે. આમ અત્યાર સુધી રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંકડો ૧,૧૭,૭૦૯એ પહોંચી ગયો છે. જ્યારે કુલ ૩રપ૯ લોકો કોરોના સામેનો જંગ હારી ગયા છે.
વિગતવાર વાત કરીએ તો કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સૌથી વધુ ૧૩૬૪ પોઝિટિવ રિપોર્ટ ઉમેરતા ગુજરાતમાં કોવિડ-૧૯ના કુલ કેસોની સંખ્યા વધીને ૧,૧૭,૭૦૯એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ ૧૨ દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને ૩૨૫૯એ પહોંચ્યો છે. જ્યારે ૧૪૪૭ લોકોએ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટી ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર ૮૩.૩૯ ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં ૮૫,૧૫૩ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સુરત કોર્પોરેશન ૧૭૪, અમદાવાદ કોર્પોરેશન ૧૪૭, જામનગર કોર્પોરેશન ૧૦૮, સુરત ૧૦૭, રાજકોટ કોર્પોરેશન ૯૯, વડોદરા કોર્પોરેશન ૮૧, રાજકોટ ૪૪, વડોદરા ૪૧, મહેસાણા ૩૬, બનાસકાંઠા ૩૪, કચ્છ ૩૪, ભાવનગર કોર્પોરેશન ૨૮, પંચમહાલ ૨૮, અમરેલી ૨૭, મોરબી ૨૬, પાટણ ૨૬, ભરૂચ ૨૫, ગાંધીનગર ૨૩, મહીસાગર ૨૧, જૂનાગઢ ૨૦, સુરેન્દ્રનગર ૧૯, અમદાવાદ ૧૮, ગાંધીનગર કોર્પોરેશન ૧૮, જામનગર ૧૮, જુનાગઢ કોર્પોરેશન ૧૮, તાપી ૧૬, ભાવનગર ૧૫, ગીર સોમનાથ ૧૫, ખેડા ૧૪, સાબરકાંઠા ૧૦, આણંદ ૯, દાહોદ ૯, બોટાદ ૮, દેવભૂમિ દ્વારકા ૮, નર્મદા ૮, છોટા ઉદેપુર ૭, વલસાડ ૭, અરવલ્લી ૫, ડાંગ ૫, નવસારી ૫, પોરબંદર ૩ કેસો મળી કુલ ૧૩૬૪ કેસો મળ્યા છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ કોર્પોરેશન ૩, સુરત ૩, સુરત કોર્પોરેશન ૨, ગીર સોમનાથ ૧, રાજકોટ ૧, રાજકોટ કોર્પોરેશન ૧, વડોદરા કોર્પોરેશન ૧ વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા ૨૪ કલાકમાં કુલ ૧૨ લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને ૩૨૫૯એ પહોંચ્યો છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૯૮,૧૫૬ નાગરિકો સાજા થઈ ગયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ ૧૬,૨૯૪ સારવાર હેઠળના દર્દીઓ પૈકી ૯૮ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને ૧૬,૧૬૯ સ્ટેબલ છે.
રાજ્યમાં અત્યાર સુધી કુલ ૩પ,ર૩,૬પ૩ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે આજે કુલ ૮પ,૧પ૩ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં અત્યારે કુલ ૬,૦પ,ર૪૬ લોકોને કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી ૬,૦૪,૭પ૩ લોકો હોમ ક્વોરન્ટાઈન છે અને ૪૯૩ લોકોને ફેસિલીટી કવોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.