(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૯
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના સીમાડી ગ્રામ પંચાયતના મહિલા તલાટી કમ મંત્રીએ કોન્ટ્રાક્ટર પાસેથી રૂા.૭૧ હજારની લાંચની માગણી કરી તેમના વતી લાંચની રકમ સ્વીકારવા આવેલા તેના વચેટિયા એસીબીએ સરથાણા જકાતનાકા તક્ષશીલા આર્કેડ પાસેથી રંગેહાથે ઝડપી પાડ્યો હતો.
એસીબીના જણાવ્યા મુજબ બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટર દ્વારા ઓગસ્ટ-૨૦૧૯માં કામરેજના સીમાડી ગ્રામપંચાયત કચેરીનું બાંધકામ અને આંગણવાડી રિનોવેશન પૂર્ણ કર્યું હતું અને તેના રૂા.૧૦.૬૦ લાખ લેવાના હતા જેમાંથી કોન્ટ્રાક્ટરને રૂા.૯ લાખ ચૂકવી દેવામાં આવ્યા હતા. જ્યારે બાકીના રૂા.૧.૬૦ લાખ નીકળતા હતા. દરમિયાન સીમાડી ગ્રામપંચાયતના તલાટી કમમંત્રી ધારાબેન ગોબર ઠેસિયા (રહે.હિરાબાગ સર્કલ ધરમનગર) દ્વારા અગાઉના ચૂકવેલા પેમેન્ટ અને બાકીના પેમેન્ટનું ચેક આપવાના અવેજમાં કોન્ટ્રાક્ટર પાસેથી રૂા.૭૧ હજારની લાંચની માગણી કરી હતી. જો કે, કોન્ટ્રાક્ટર લાંચ આપવા માંગતો ન હતો અને આ અંગે તેણે નવસારી એસીબીનો સંપર્ક કર્યો હતો. જે ફરિયાદને આધારે મદદનીશ નિયામક એન.પી.ગોહિલના સુપર વિઝન હેઠળ પીઆઈ બી.જે.સરવૈયા અને એ.વાય.પટેલ દ્વારા છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. તલાટી ધારાબેન વતી લાંચની રકમ લેવા માટે આવેલા તેના વાઉચર કિશન મહેસ લાખાણીને લાંચની રકમ સ્વીકારતા રંગેહાથે ઝડપી પાડ્યો હતો. એસીબીએ તલાટી ધારાબેન ઠેસિયા અને કિશન સામે લાંચનો ગુનો દાખલ કરી ધારાબેનને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.