(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૨
સુરત જિલ્લાના કામરેજના જોબકામ કરતા પરેશ બાબુ પટેલની ઘાતકી રીતે હત્યા કરાયેલી લાશ કોથળામાં પેક કરેલી મોટા વરાછાથી બંગાળ કોલોની રોડ નહેર પાસેથી મળી આવી હતી. આ ચકચારીત ઘટનામાં અમરોલી પોલીસે મૃતકના ધંધો કરનારા ત્રણ ભાગીદારની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે.
અમરોલી પોલીસના જણાવ્યા મુજબ પરેશની હત્યા બાદ પરિવારજનોએ જગદીશ અને વિપુલ નામના વ્યક્તિ સામે શંકા વ્યક્ત કરી હતી. અમરોલી પોલીસે સઘન અને જીણવટભરી તપાસ હાથ ધરી આ હત્યા કેસનો ભેદ ઉકેલવામાં સફળતા સાંપડી હતી. અમરોલી પોલીસના જણાવ્યા મુજબ મરણ જનારના સગા સંબંધીઓ દ્વારા જાણવા મળેલ કે મરણ જનાર એમ્બ્રોઈડરીનું કામ કરતો હતો અને વિપુલ જગદીશ રવિ તથા અન્યો પૈસા આપવાના હોય જેઓ ઉઘરાણી કરતા હોય રવિ, જગદીશ તથા બીજા અન્યોએ મરણ જનાર પરેશ બાબુભાઈ પટેલને પૈસાની લેતી દેતી બાબતે માર મારી શરીરે છાતીના ભાગે, પીઠના ભાગે તથા પેટના જમણા પડખાના ભાગે ગંભીર મૂઢ ઈજાઓ પહોંચાડી મૃત્યુ નીપજાવી બંને હાથ પગ બાંધી લાશ સફેદ પ્લાસ્ટિકના કોથળામાં વિંટાળી મોટા વરાછાથી બંગાલ કોલોની જતા રોડ પર આવેલ બંગાળ નહેરના પુલીયાથી પશ્રિમે આશરે ૭૦ ફૂટના અંતરે નહેરમાં ફેંકી દઈ નાસી ગયા હતા. જે બાબતે અમરોલી પોલીસે આરોપીઓ રવિ ઉર્ફે ભોલો ઉર્ફે ભૂરો હિંમત વિરજીભાઈ હીરાણી (ઉ.વ.૨૫, રહે. સોમનાથ એપાર્ટમેન્ટ, વરાછા) તથા વિપુલ રામજીભાઈ શંકર (ઉ.વ.૪૯, ધંધો જોબવર્ક, વેપાર રહે. શક્તિનગર, કતારગામ), જગદીશ ઉર્ફે જગો સ/ઓ જસ્મતભાઈ અમરસિંહભાઈ લાડોલા (ઉ.વ.૪૯, ધંધો જાબવર્ક, રહે. સિલ્વર ગ્રીન એપાર્ટમેન્ટ, અમરોલી)ને પકડી અટક કરવામાં આવેલ છે અને અન્ય સહ આરોપીઓની તપાસ ચાલુ છે.