(સંવાદદાતા દ્વારા) ખોલવડ, તા.૩૦
છેલ્લા એક દશકાથી કામરેજ ચાર રસ્તા વિસ્તારનો ટ્રાફિકજામ અને ગેરકાયદેસરના દબાણલ દૂર કરવાનો પ્રશ્ન વકર્યો છે. આ બાબતે વારંવારની રજૂઆતો કરવા છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર રહેતા અધિકારીઓથી ત્રાહિમામ પોકારી ઉઠેલી પ્રજાએ આખરે આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તા.૮મી ફેબ્રુઆરીના રોજ પ્રતીક ઉપવાસ અને ચક્કાજામનો કાર્યક્રમ કરવાની ચીમકી ઉચ્ચારી છે. સુરતનું પ્રવેશદ્વાર અને કામરેજ તાલુકાનું પાટનગર ગણાતા કામરેજ ચાર રસ્તા વિસ્તારનો હરણફાળ વિકાસ છેલ્લા દસ-પંદર વર્ષથી કૂદકેને ભૂસકે આગેકૂચ કરી રહ્યો છે. વિકાસની સાથે અનેક સમસ્યાઓ પણ વધવા લાગી છે. ખાસ કરીને ગેરકાયદેસર સરકારી જમીન ઉપરના દબાણોને લઈને ટ્રાફિકની સમસ્યા માથાનો દુઃખાવો બની ગઈ છે. વારંવારની રજૂઆતો કરવા છતાં અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી. આખરે કામરેજ પંથકની ત્રસ્ત પ્રજાએ ગતરાત્રે એક મીટિંગ કરી કલેક્ટરને આવેદનપત્ર આપી અલ્ટીમેટમ આપવાનું નક્કી કરાયું હતું. જે મુજબ આજે કામરેજ નાગરિક સમિતિના નેજા હેઠળ કામરેજ પંથકના અગ્રણીઓએ કલેક્ટર મહેન્દ્ર પટેલને આવેદન પત્ર પાઠવ્યું હતું. આ આવેદન પત્રમાં જણાવ્યું છે કે છેલ્લા કેટલાય વર્ષોથી કામરેજની સમસ્યાઓ અંગે લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ નિકાલ થયો નથી. માત્ર સમસ્યાઓમાં વધારો થતો જાય છે.
રજૂઆત કરવામાં આવેલ વિવિધ પ્રશ્નોમાં છ વર્ષ પહેલાં સુડાના સહયોગથી ખોલવડથી નવાગામ સુધીનો સર્વિસ રોડ પહોળો કરવાનું આયોજન જે તાત્કાલિક કરવું જરૂરી છે. હાઈવેની સ્ટ્રીટલાઈટ તેમજ ખોલવડ ગામથી દીનબંધુ હોસ્પિટલ હાઈવેને જોડતો રસ્તો તાત્કાલિક બનાવવાની માગણી કરી છે. કામરેજ ચાર રસ્તા પાસે ચારેબાજુ આડેધડ પાર્કિંગ તેમજ લારી-ગલ્લાઓને લઈને ટ્રાફિકજામ, સુરત બીઆરટીએસ રોડની વચ્ચે ઊભી રહે છે, નહેર રોડ ઉપર શાકમાર્કેટ તથા નહેરના દબાણો દૂર કરવાનો હુકમ છતાં દૂર કરતાં નથી. પેટ્રોલ પંપ પાસે લક્ઝરી બસો ઊભી રહેતા ટ્રાફિકજામ થતો હોવાથી ભૂતકાળમાં ડે.કલેક્ટર સંજય પ્રસાદના સમયમાં દબાણો દૂર કરી ખૂંટ મારેલ હતા ત્યાં સુધી જગ્યા ખુલ્લી કરવાની પુનઃ માગણી કરેલ છે. એક માસ પૂર્વે પ્રથમ સંકલનમાં ધારાસભ્યએ દબાણો દૂર કરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું છતાં કોઈ કાર્યવાહી નહીં થઈ હોવાનું જાણવા મળેલ છે.