(એજન્સી) મુંબઈ, તા.૮
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે જો આવતીકાલે કોર્પોરેશનની હોસ્પિટલોના નર્સો અને વોર્ડ બોય ફરજ પર હાજર નહીં થાય તો તેમને હાંકી કાઢવામાં આવશે. બીએમસી દ્વારા ગેરહાજર રહેલા સ્ટાફના નામથી મેમો આપવામાં આવ્યા હતા. સેંકડો કર્મચારીઓનો ત્રણ દિવસનો નોટિસ સમય સમાપ્ત થવા જઈ રહ્યો છે. ફરજ પર ગેરહાજર રહેલા લોકોમાં કલાસ ત્રણ અને કલાસ ચારના કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ વર્ગના કર્મચારીઓની ગેરહાજરીના કારણે કોર્પોરેશનની હોસ્પિટલોમાં સારવાર હેઠળ રહેલા કોરોના વાયરસના દર્દીઓને ઘણી તકલીફ પડી હતી. જેમાં મુંબઈની કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે જ્યાં મોટી સંખ્યામાં કોવિડ-૧૯ના દર્દીઓની હાલત ગંભીર બનેલી છે. કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલના ડૉક્ટરે જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ વોર્ડ મહત્ત્વના બોર્ડ છે જ્યાં ચાર પથારીઓ વચ્ચે એક નર્સની જરૂર હોય છે. જેથી અમને કોવિડ-૧૯ના વોર્ડમાં ૪૦ પથારીઓ વચ્ચે ૧૦ નર્સોની જરૂર પડે છે હાલના સમયમાં અમારી પાસે આખા વોર્ડ વચ્ચે માત્ર બે જ નર્સો છે કેટલીક વખત અમારી પાસે માત્ર એક જ વોર્ડ બોય હોય છે અને કયારેક એક પણ વોર્ડ બોય હોતો નથી.