(એજન્સી) નવી દિલ્હી, તા.૨૪
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, તેઓ કોર્ટમાં જજોની નિમણૂંકો પર ધ્યાન આપી રહ્યા નથી પરંતુ ફેક ન્યૂઝમાં રચ્યા પચ્યા રહે છે. તેમણે ટિ્‌વટર પર લખ્યું કે, તમામ કોર્ટો માં કેટલા કેસ પેન્ડિંગ પડ્યા છે. રાહુલે લખ્યું કે, પેન્ડિંગ કેસોમાં કાયદાકીય સિસ્ટમ પડી રહી છે. સુપ્રીમ કોર્ટ ૫૫,૦૦૦ + હાઇકોર્ટ ૩૭લ લાખ + નીચલી કોર્ટો ૨.૬ કરોડ + તેમ છતાં હજુ ૪૦૦ હાઇકોર્ટ અને ૬૦૦૦ નીચલી કોર્ટ જજોની નિમણૂંક નથી થઇ જ્યારે કાયદા મંત્રી ફેક ન્યૂઝમાં રચ્યા પચ્ચા છે.
રવિશંકર પ્રસાદે તાજેતરમાં જ કેમ્બ્રિજ એનાલિટિકા કંપનીના રાજકીય ડેટામાં સંડોવતા ફેસબૂક ડેટા લીક અંગે રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. પ્રસાદે આરોપ લગાવ્યો હતો કે, ગાંધી પરિવારે ૨૦૧૭ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કેમ્બ્રિજ એનાલિટિકાની સેવા લીધી હતી. રવિશંકરે દાવો કર્યો હતો કે, કોંગ્રેસે એવી કંપનીની સેવાલીધી હતી જે અન્ય દેશોમાં પણ ચૂંટણીઓ દરમિયાન લોકોના ફેસબૂક પરથી ડેટા ચોરે છે. તેઓ ગત ઓક્ટોબર નવેમ્બરમાં આ સેવા લીધી હોવાનું નકારી શકતા નથી. ત્યારબાદ કોંગ્રેસે કહ્યું હતું કે, ઇરાકમાં ભારતીયોના મોત અંગેના સત્યને છૂપાવવા માટે મોદી સરકાર ફેક ન્યૂઝને આગળ ધરી રહી છે. ત્યારબાદ રાહુલ ગાંધીએ ટિ્‌વટ કરી હતી કે, સમસ્યા ૩૯ ભારતીયોના મોત, સરકાર જુઠ્ઠાણું ફેલવતી પકડાઇ. ઉકેલ : કોંગ્રેસ અને ડેટા ચોરીની વાર્તા ચલાવો. પરિણામ : મીડિયા નેટવર્ક તૂટી પડશે, ૩૯ ભારતીયો રડારમાંથી હટી જશે. મુશ્કેલીનું નિવારણ આવી ગયું.