સરકાર કાયદાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવા માગે છે, અમે કાયદાઓ રદ કરવાની વાત કરીએ છીએ, જ્યારે કાયદાઓ જ નથી જોઇતા તો પછી તે અંગે વાત ના થાય, જ્યાં સુધી ત્રણેય કૃષિ કાયદાઓ રદ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે : કિસાન નેતાઓ

‘તમે તમારૂં જમો, અમે અમારૂં જમીશું’ : સરકારના મંત્રીઓ સાથે કિસાનોએ જમવાનો ઇન્કાર કરી દીધો

(એજન્સી) નવી દિલ્હી, તા. ૪
કિસાનો અને સરકાર વચ્ચે કૃષિ કાયદાઓ અંગે સોમવારની બેઠક ફરીવાર નિષ્ફળ ગઇ છે અને કોઇ નિર્ણય વિના પૂરી થઇ ગઇ હતી. આ દરમિયાન હવે આગામી મંત્રણા ૮મી જાન્યુઆરીએ બપોરે બે વાગે થશે. બેઠક બાદ કૃષિ મંત્રીએ કહ્યું કે, અમે ઇચ્છતા હતા કે, કિસાન સંગઠનો ત્રણેય કાયદાઓ અંગે ચર્ચા કરે પરંતુ તેઓ કાયદાઓ પરત ખેંચવાની માગ પર અડગ છે. આના પગલે કોઇ સમાધાન આવ્યું નથી. આજની ચર્ચાને જોતાં મને આશા છે કે, આગામી બેઠક દરમિયાન અમે સાર્થક ચર્ચા કરીશું અને કોઇ ચોક્કસ નિષ્કર્ષ પર આવીશું. બીજી તરફ ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે, અમારી માગો પર ચર્ચા થઇ જેમાં ત્રણેય કાયદાઓ રદ કરવા અંગેની માગ મુખ્ય હતી. કાયદો પરત નહીં ખેંચાય ત્યાં સુધી અમે ઘરવાપસી કરીશું નહીં. અખિલ ભારતીય કિસાન સભાના હન્નામ મોલ્લાહે કહ્યું કે, સરકાર દબાણમાં છે, અમે બધાએ કહ્યું કે, કાયદો પરત ખેંચવાની અમારી મુખ્ય માગ છે. અમે કાયદો રદ કરવા સિવાય કોઇ અન્ય બાબત પર વાત કરવા માગતા નથી. કાયદાઓ રદ ના થાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શન પણ ચાલુ જ રહેશે. અન્ય એક કિસાન નેતાએ કહ્યું કે સરકારના મંત્રીઓ કૃષિ કાયદાઓ પર ઊંડાણથી ચર્ચા કરવા માગતી હતી પરંતુ અમે આ પ્રસ્તાવને ફગાવીને કહ્યું હતું કે, કાયદાઓ પર ચર્ચા કરવાનો કોઇ અર્થ નથી કેમ કે, અમે કાયદાઓને જ રદ કરવાની માગ કરી રહ્યા છીએ. સરકાર અમને સંશોધન તરફ લઇ જવાનો ઇરાદો ધરાવે છે પરંતુ અમને આ વાત સ્વીકાર નથી. આ દરમિયાન સરકારે પણ કાયદાઓ રદ નહીં થાય તેવા સ્પષ્ટ સંકેત આપ્યા છે. ખેડૂતો અને સરકાર વચ્ચે કૃષિ કાયદાના મુદ્દે ચર્ચા થઈ હતી. અગાઉની ચર્ચામાં, સરકાર બે મુદ્દાઓ પર સંમત થઈ હતી, પરંતુ બે મુદ્દાઓ પર મંથન ચાલુ છે. આ તબક્કે પણ ખેડૂતોનો વિરોધ ઉડીને આંખે વળગે તેવો છે, ખેડૂત અગ્રણીઓએ સરકારના મંત્રીઓ સાથે જમવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તમે તમારું જમો અને અમે અમારું જમીશું. સરવાળે કોઇ જ ચોક્કસ ઉકેલ વગર બેઠક પૂર્ણ થઇ હતી. આમ આઠ જાન્યુઆરીએ ફરી એકવાર સરકાર-ખેડૂતો વચ્ચે બેઠક યોજાશે. નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ખેડૂત સંગઠનો અને સરકારના મંત્રીઓ વચ્ચેની બેઠક આજે ફરી સમાપ્ત થઈ. આ બેઠકમાં કોઇ જ ચોક્કસ ઉકેલ મળ્યો નહોતો. આજે બંને પક્ષો વચ્ચે ૮ મી રાઉન્ડ બેઠક થઈ હતી. ખેડૂતો અને સરકાર વચ્ચે થયેલી વાતચીતના તાજા સમાચાર એ છે કે ખેડૂત સંગઠનોના એમએસપી પર લેખિત ખાતરી અને ત્રણ કૃષિ કાયદાને પાછો ખેંચવાની માંગ અંગે સરકારે કહ્યું કે, આ ત્રણેય કાયદામાં કયા સુધારા કરવામાં આવશે તે નક્કી કરવા સંયુક્ત સમિતિ બનાવીએ. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારની આ દરખાસ્તને ખેડૂત સંગઠનોએ ફગાવી દીધો હતો. સરકાર અને ખેડુતો વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો લંચ બ્રેક બપોરના વિરામ વચ્ચે ખેડૂતોએ સરકારના મંત્રીઓ સાથે જમવાનો ઇન્કાર કરી દીધો હતો.