આઠમા તબક્કાની મંત્રણા દરમિયાન કિસાનોએ પ્લેકાર્ડ બતાવ્યા ‘‘મરીશું અથવા જીતીશું’’

(એજન્સી) નવી દિલ્હી, તા. ૮
સરકાર અને ખેડૂતો વચ્ચેની આઠમા તબક્કાની મંત્રણામાં પણ કોઇ ઉકેલ આવ્યો નથી. ત્યારે બેઠક બાદ કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું કે, કાયદાઓ માત્ર પંજાબ અને હરિયાણાના ખેડૂતો માટે નથી પરંતુ આખા દેશ માટે છે. બીજી તરફ કિસાનોએ પોતાની માગ પર અડગ રહીને જણાવ્યું હતું કે, રાજ્યોને પોતાના કાયદા લાવવા દો. આની વચ્ચે આગામી બેઠક હવે ૧૫મી જાન્યુઆરીએ થશે. કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરે બેઠક બાદ કહ્યું કે, કાયદા માટે ચર્ચા થઇ પરંતુ કોઇ નિર્ણય લેવાયો નથી. સરકારે ખેડૂતોને વિનંતી કરી હતી કે, કાયદો રદ કરવા સિવાય વિકલ્પ આપો અમે વિચાર કરીશું. પરંતુ કોઇ વિકલ્પ અપાયો નહીં તેથી બેઠક પૂરીથઇ અને હવે આગામી બેઠક ૧૫મીએ મળશે. દરમિયાન આંદોલનરત કિસાનોએ કાયદા રદ કરવા મામલે પોતાનું અડગ વલણ ચાલુ રાખ્યું છે. તેમણે બેઠકમાં કહ્યું કે, અમારી ઘરવાપસી ત્યારે જ થશે જ્યારે તમે કાયદાઓ પરત ખેંચશો. બીજી તરફ ખેડૂતોે એમ પણ કહ્યું કે, સામાન્ય રીતે સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદામાં કૃષિ રાજ્યોનો મુદ્દો હોવાનું જાહેર કરાયું છે ત્યારે કૃષિ બાબતોમાં કેન્દ્ર સરકારે દખલ કરવી જોઇએ નહીં.
ખેડૂત નેતાએ કહ્યું કે, એવું લાગે છે કે, સરકાર સમસ્યા ઉકેલવા માગતી નથી અને ઘણા દિવસોથી મંત્રણો કરી રહી છે, આવા સમયે અમને સ્પષ્ટ જવાબ આપો જેથી અમે જતા રહીએ. બધાનો સમય બરબાદ ના કરો. આ બેઠક દરમિયાન કેટલાક ખેડૂતો પ્લેકાર્ડ લઇને આવ્યા હતા જેમાં લખ્યું હતું કે, ‘‘મરીશું અથવા જીતીશું.’’ બેઠકમાં હાજર રહેલા ઓલ ઇન્ડિયા કિસાન સંઘર્ષ કોઇર્ડિનેશન કમિટીના સભ્ય કવિથા કુરૂગંટીએ સરકારે ખેડૂત સંગઠનોને કહ્યું છે કે, તે કાયદા પરત ખેંચી શકતી નથી અને ખેંચશે પણ નહીં. ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર ૨૦૨૦માં ત્રણ કૃષિ કાયદાઓ લાગુ કર્યા બાદ દેશભરમાં ભારે વિરોધ ચાલી રહ્યો છે. ખેડૂતોએ ગણતંત્ર દિવસે ટ્રેકટર રેલીનુંં આહવાન પણ કર્યું છે. કૃષિ મંત્રાલય તરફથી કહેવાયું છે કે, ૪૦ ખેડૂત સંગઠનોના નેતાઓ દેખાવો કરે છે. તોમર ઉપરાંત સરકાર તરફથી રેલવે, કોમર્સ અને ફૂડ મંત્રી પિયુષ ગોયલ તથા કોમર્સ બાબતોના રાજ્યમંત્રી સોમ પ્રકાશ પણ હાજર રહ્યા હતા. એક ખેડૂત નેતા સરવર સિંહે કહ્યું કે, સરકાર એક વાત પર ચોંટી રહી છે કે, મોટાભાગના ખેડૂતો નવા કાયદાનું સમર્થન કરે છે. અહંકારી સરકાર કહે છે કે, કાયદા રદ નહીં કરે, મંત્રણા પડી ભાંગી છે. કોઇ પરિણામ આવે તેવું લાગતું નથી. આગામી બેઠકમાં પણ તેઓ મીઠી વાતો કરે તેવું લાગે છે. ઉલ્લેખનીય છે કે, ગત ૪ જાન્યુઆરીએ મળેલી બેઠક પણ ગૂંચમાં જ સમાપ્ત થઇ ગઇ હતી. કિસાનોએ ગુરૂવારે દિલ્હીની સરહદોની આસપાસ ટ્રેકટર રેલી કાઢી હતી જે આગામી ૨૬મી જાન્યુઆરીએ આયોજિત થનારી રેલીનું રિહર્સલ ગણાવાયું હતું. આ દરમિયાન મહિલા કિસાનોએ પણ ટ્રેકટર ચલાવ્યા હતા. દિલ્હીની વિજ્ઞાન ભવન ખાતે બપોરે ૨.૩૦ વાગે બેઠક યોજાઇ હતી. ઉલ્લેખનીય છે કે, અત્યારસુધી કૃષિ કાયદાઓના વિરોધ પ્રદર્શન દરમિયાન ૬૦ જેટલા કિસાનોના મોત થયા છે જેમાં મોટાભાગના ખેડૂતો આકરી ઠંડીને કારણે મોતને ભેટ્યા છે.