(સંવાદદાતા દ્વારા)

અંકલેશ્વર, તા.ર૬

કાયેમુલ ઈસ્લામ મદ્રેસા ટ્રસ્ટના ભૂતપૂર્વ પ્રમુખ અહમદ ગુલામમોહંમદ બોબાત સાહેબ તા.રપ/૮/ર૦ર૦ના રોજ અલ્લાહની રહેમતમાં પહોંચી ગયા છે. ઈન્ના લિલ્લાહે… મર્હૂમની મગફિરત માટે સંસ્થાના સ્થાનિક ટ્રસ્ટીઓ તથા સંસ્થા સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓના સ્ટાફની એક શોકસભા એસ.પી.મદ્રેસા હાઈસ્કૂલના સ્ટાફરૂમમાં રાખવામાં આવેલ. તિલાવતે કુર્આન બાદ ગુલામમોહંમદ પટેલ મદ્રેસા પ્રાથમિક શાળાના સિનિયર શિક્ષક સલીમભાઈ પાંડોર તથા એસ.પી. મદ્રેસા હાઈસ્કૂલના આચાર્ય સઈદઅહમદ લીલગર દ્વારા મર્હૂમની જીવન ઝરમર રજૂ કરવામાં આવેલ તેમજ ઈબ્રાહિમ મો.સાજી મેમાન, અહમદ યુસુફ રાવત તથા ઈસ્માઈલ યુસુફ પટેલ દ્વારા મર્હૂમ સાથેના સ્મરણો યાદ કરવામાં આવેલ. મર્હૂમ સંસ્થા સાથે વર્ષોથી સંકળાયેલા હતા. તેમના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સંસ્થાએ દીની તથા દુન્યવી ક્ષેત્રે પ્રગતિ કરી છે જે આજીવન યાદ રહેશે. અલ્લાહ ત્આલા મર્હૂમની મગફિરત કરી જન્નતુલ ફિરદૌસમાં આલા મકામ અતા ફરમાવે તે માટે દુઆએ મગફિરત જ.મૌલાના મોહંમદ સુલેમાન પાંડોર દ્વારા કરવામાં આવી હતી. આ શોકસભાનું સંચાલન ગુલામ મોહંમદ પટેલ મદ્રેસા પ્રાથમિક શાળાના શિક્ષક સાબીરભાઈ શેખ દ્વારા કરવામાં આવેલ. મુંબઈના પત્રકાર શોએબ મ્યાનુરે મર્હૂમ અહમદભાઈને અલ્લાહ ત્આલા આલા મકામ અતા ફરમાયે અને તેમના પરિવારજનોને સબ્રે જમીલ અતા ફરમાવે તેવી દુઆ કરી હતી.