જામનગર, તા.૧૯
જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગરમાં એક કારખાનામાં લાંબા સમયથી બંધ પડેલા ટાંકાની સફાઈ કરવા ઉતરેલા બે પરપ્રાંતિય શ્રમિકો ગેસગળતરના કારણે બેશુદ્ધ બની ગયા હતા. જેમાંથી એક શ્રમિકનું મોડી રાત્રે મૃત્યુ થયું છે. પોલીસે આ બનાવની તપાસ શરૂ કરી છે.
જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગરમાં આવેલા ન્યુ આશા બ્રાસ ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં લાંબા સમયથી એક ટાંકો બંધ રાખવામાં આવ્યો હતો. તેથી તેના માલિક કમલભાઈ ભદ્રાએ તે ટાંકો સાફ કરવા માટે કારખાનાના કર્મચારી રાધાકિશન સોબરનસિંહ કુશવાહા (ઉ.વ.૨૭) તથા રોનક કુશવાહા (ઉ.વ.૨૫)ને કહેતા ગઈકાલે સવારે બંને કર્મચારીએ તે ટાંકામાં સફાઈ કામ માટે ઉતર્યા હતા.
બંનેના ઉતર્યાની થોડી મિનિટો વિત્યા પછી ટાંકામાંથી કંઈ અવાજ નહીં આવતા ટાંકા પર ઊભેલા કારખાનાના માલિકે અંદર નજર નાખતા રાધાકિશન તથા રોનક બંને બેભાન જેવી હાલતમાં જોવા મળ્યા હતા. આથી કારખાનેદારે ૧૦૮ તેમજ ફાયરબ્રિગેડને આ બનાવની જાણ કરી બંને શ્રમિકોને બહાર કાઢવાની તજવીજ કરી હતી.
સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા બંને પરપ્રાંતિય શ્રમિકોની ચાલી રહેલી સારવાર દરમ્યાન રાધાકિશન કુશવાહાનું મૃત્યુ નિપજ્યાનું ડૉ.એમ.એન.મહેતાએ જાહેર કર્યું છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પીએમ કરાવ્યું છે. આ ટાંકો લાંબા સમયથી બંધ પડ્યો હોય તેમાં ગઈકાલે જ્યારે બંને શ્રમિકો સફાઈ માટે ઉતર્યા ત્યારે કેમિકલથી અંદર કોહવાઈ ગયેલી હવાના કારણે ગેસગળતર થયું હતું જેણે એક કર્મચારીનો ભોગ લીધો છે અને અન્ય એક શ્રમિક સારવારમાં છે. ગેસગળતરની કારખાનેદારને પણ અસર થવા પામી હતી.