(સંવાદદાતા દ્વારા) મોરબી,તા.ર૮
મોરબીમાં કોરોનાને લઈને લોકડાઉન હોવા છતાં કેટલાક લોકો ટોળે વળીને બિનજરૂરી પ્રવૃતિઓ કરતા હોય છે. તેથી લોકોની આવી પ્રવૃતિઓ અટકાવવા અને લોકો ઘરોમાં સલામત રહે તે માટે લોકડાઉનના ચુસ્ત અમલ કરવા પોલીસ ડ્રોન કેમેરાનો સહારો લીધો છે અને પોલીસ દ્વારા આજથી શહેરભરમાં લોકો ઉપર વોચ રાખવા માટે ડ્રોન કેમેરાથી સઘન નિરીક્ષણ શરૂ કર્યું છે. તેથી હવે લોકડાઉનનું ઉલ્લંઘન કરવાની ખેર નહિ રહે.
મોરબી જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર લોકોને અપીલ કરી કરીને થાકી ગયું પણ લોકો રાબેતા મુજબ પ્રવૃત્તિઓ ચાલુ રાખતા હોય લોકડાઉનનું સરેઆમ ઉલ્લંઘન થાય છે. જોકે લોકો અગાશી ઉપર બેસી ટોળ ટપ્પા મારતા હોય કે શેરી ગલીઓમાં સમૂહમાં એકઠા થતા હોય તેમ જાહેરમાં મેદાનમાં ક્રિકેટ જેવી રમતો રમતા હોવાથી કોરોના સંક્રીમત થવાનુ મોટું જોખમ રહે છે. અમુક લોકો લોકડાઉન માનવા જ તૈયાર ન હોવાથી તેમની શાન ઠેકાણે લાવવા માટે પોલીસે ગુજરાત ફ્લાયન્ગ લેબના સહયોગથી ડ્રોન કેમેરાથી આખા શહેરમાં નજર રાખશે. લોકો શેરી ગલી કે પોતાની અગાશી પર કેવી પ્રવૃતિઓ કરે છે. તેના ઉપર વોચ રાખવા માટે પોલીસ ડ્રોન કેમેરાની મદદથી શહેરભરનું સઘન નિરીક્ષણ શરૂ કર્યું છે. જોકે ડ્રોન કેમેરામાં કોઈ લોકડાઉનનું ઉલ્લંઘન કરતો નજરે ચડશે તો તેની સામે જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરાશે.