(સંવાદદાતા દ્વારા) વડોદરા,તા.૩૧
કરજણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપરનાં ટોલનાકે, એક હુન્ડાઇ કારને અટકાવી ડીઆરઆઇના અધિકારીઓએ ૧ કિલો ૬૦૦ ગ્રામનાં રૂા.૫૨ લાખ ૪૮ હજારની કિંમત ધરાવતા સોનાનાં બિસ્કીટ જપ્ત કરી દિલ્હીનાં બે વ્યક્તિની ધરપકડ કરી છે.
ડીઆરઆઇ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત અનુસાર, સુરત અને અમદાવાદનાં ડીઆરઆઇ અધિકારીઓને મળેલી બાતમીના આધારે કરજણ ટોલનાકે વોચ ગોઠવી હતી. તે દરમિયાન એક સફેદ કલરની હુન્ડાઇ કાર પસાર થતાં તેને અટકાવી તલાશી લેવામાં આવી હતી. કારમાંથી વગર દસ્તાવેજના ૧૦૦ ગ્રામ વજન ધરાવતા ૧૬ સોનાનાં બિસ્કીટ મળી આવ્યા હતા. ૧ કિલો ૬૦૦ ગ્રામ વજનનાં અને રૂા.૫૨ લાખ ૪૮ હજારની કિંમતના બિસ્કીટ સહિત કાર અને દિલ્હીનાં બે વ્યકિતઓની ડીઆરઆઇ અધિકારીઓએ ધરપકડ કરી હતી. સોનાનાં બિસ્કીટ દિલ્હી લઇ જવામાં આવી રહ્યાં હતા. બંને વ્યક્તિઓ પાસે સોનાનાં જથ્થાનાં કોઇ કાયદેસરનાં બીલ મળી આવ્યા ન હતા. જેથી બંને જણા આ સોનાનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને આ જથ્થો કોનો હતો. તે અંગે તપાસ હાથ ધરી હતી. બંને જણાંને સુરત ખાતે લઇ જવામાં આવ્યા હતા.