મોડાસા, તા.ર૭
મોડાસા-હિંમતનગર રોડ પર આવેલ ભવાનપુર પાટિયા નજીકથી પસાર એક્ટિવા લઈ પસાર થતા દિવ્યાંગ શિક્ષકને નંબર પ્લેટ વગરની બ્રેઝા કારમાં નાગાબાવાની ગેંગે અટકાવી કાર પાછળ દિગંબર અવસ્થામાં બેઠેલ સંતને આરામ કરવો છે તો નજીકમાં આશ્રમ હોય તો બતાવો કહી કાર નજીક બોલાવી પાછળ બેઠેલ ભભૂતિ ધારી નાગાબાવા જેવા દેખાતા શખ્સે શિક્ષકનાં હાથમાં પહેરેલ સોનાની લકી અને વીંટી ખેંચી લઈ કારમાં ફરાર થઈ જતાં શિક્ષક હોફાળો-ફોફાળો બની ગયો હતો. મોડાસા તાલુકાની ખુમાપુર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા જયંતિભાઈ રણછોડભાઈ પાઠક થોડા દિવસ અગાઉ શાળામાં નોકરી પૂર્ણ થતા એક્ટિવા લઈ પરત મોડાસા ઘરે આવવા નીકળ્યા હતા ત્યારે ભવાનપુર પાટિયા નજીક રાજેન્દ્રનગર તરફથી આવેલી નંબર પ્લેટ વગરની બ્રેઝા કાર તેમની નજીક આવી હતી. જેમાં ડ્રાઇવર, તેની બાજુમાં સાધુના વેશમાં એક શખ્સ અને પાછલી સીટમાં એક શખ્સ એમ ત્રણ શખ્સો બેઠા હતાં. આ સાધુએ કારનો કાચ ઉતારીને નજીકમાં કોઈ આશ્રમ હોય તો જણાવવા માટે કહ્યું હતું. જયંતિભાઈ પાઠકે નજીકમાં આશારામ આશ્રમ હોવાનું કહેતા આ સાધુએ તેમને આશ્રમ જવાનો રસ્તો પૂછ્યો હતો. રસ્તો બતાવ્યા બાદ પાછળ બેઠેલા સાધુએ શિક્ષકના હાથમાં પહેરેલી સોનાની લકી અને વીંટી કિં.રૂા. ૪૮૦૦૦/- ખેંચી લઈ કાર દોડાવી મૂકતા શિક્ષકે એક્ટિવા પર કારનો પીછો કરીને નંબર મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કાર નંબર પ્લેટ વગરની હોવાનું જાણવા મળ્યું હતું. નાગાબાવાની ગેંગનો શિકાર બનેલા શિક્ષકે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા રૂરલ પોલીસે કારમાં સરનામું પૂછી લૂંટ ચલાવનાર ત્રણ શખ્સો સામે ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.