અમદાવાદ, તા.૮
કોરોનાની મહામારીને લીધે લોકડાઉન બાદ અનલોક જાહેર કરતા કેટલીક છૂટછાટો મળી છે, ત્યારે દારૂની હેરાફેરી કરતા ખેપિયાઓને પણ જાણે છૂટ મળી હોય તેવું ચિત્ર સ્પષ્ટ થયું છે. જો કે, પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને કારના ચોરખાનામાં દારૂની ખેપ મારનારા બે ખેપિયાને પકડી પાડ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ સતત ત્રણ માસથી પોલીસ સતત રોડ પર બંદોબસ્તમાં રહેલી છે. ત્યારે રામોલ પોલીસે વસ્ત્રાલ રોડ પર પોઈન્ટ પર ફરજમાં હતી ત્યારે બે લોકો દારૂની ખેપ મારવા નીકળવાના હોવાની બાતમી મળી હતી. પોલીસે ખાનગી રાહે વોચ ગોઠવી હતી. ત્યારે બે લોકો શંકાસ્પદ રીતે વસ્ત્રાલના નૈયા કોમ્પ્લેક્ષમાં દારૂનો જથ્થો કારમાં સંતાડીને બેઠા હોવાની માહિતી મળતા પોલીસે રેડ કરી હતી. પોલીસે આ બને લોકોની કારમાં તપાસ કરી હતી. ત્યારે કારમાં ગુપ્ત ખાનું મળી આવ્યું હતું. આ ગુપ્ત ખાનામાં પોલીસને દારૂની બોટલો મળતા જ પોલીસ પણ આ મોડ્‌સ ઓપરેન્ડી જોઈને ચોકી ઉઠી હતી. રામોલ પોલીસે આરોપી ગોવિંદસિંગ ચૌહાણ (ઉદેપુર) અને દિલીપસિંગ ચૂંડાવત (ઉદેપુર)ની ધરપકડ કરી હતી. બને આરોપીઓ પાસેથી પોલીસે વિદેશી દારૂની ૨૪ બોટલો કબ્જે કરી હતી. આરોપીઓએ પેટ્રોલની ટાંકી નીચે ગુપ્ત ખાનું બનાવી દારૂની હેરાફેરી કરતાં હોવાનું સામે આવ્યું હતું.