(એજન્સી) સહારનપુર, તા.ર૦
ઉત્તરપ્રદેશમાં પોલીસની અમાનવીય વર્તણૂક સામે આવી છે. ગુરૂવારે રાત્રે થયેલ એક અકસ્માતમાં બે સગીર પોલીસવાળાની સામે તરફરિયા મારીને મૃત્યુ પામ્યા હતા. બેરી બાગ વિસ્તારમાં મંગરનગર ચોક પાસે બાઈકે કાબૂ ગુમાવતા એક થાંભલા સાથે અથડાઈ હતી. ગંભીર રીતે ઘાયલ થયેલ બે સગીરોને પોલીસ પોતાની ગાડીમાં લઈ જવાની ના પાડી હતી. પોલીસે ગાડી ગંદી થઈ જશે એવું કહીને સારવાર માટે હોસ્પિટલ ન લઈ ગઈ અને બન્ને સગીરનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. પોલીસવાળાનું કહેવું હતું કે સગીરના લોહીલુહાણ શરીરથી તેમની ગાડી ગંદી થાય એમ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તંત્રએ આ ત્રણ પોલીસકર્મીઓ સામે કડક પગલાં લીધા છે. તંત્રએ આ ત્રણેય પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દીધા છે. લોકોએ અનેક રજૂઆત કરી હોવા છતાં પણ પોલીસ એકની બે ન થતાં અન્ય વાહનથી સોનિયા વિહારના રહેવાસી ઘાયલ સગીરોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં તબીબોએ સગીરોને મૃત જાહેર કર્યા હતા. ત્રણ મિનિટ અને ૧૮ સેકન્ડના આ વીડિયોમાં યુપી પોલીસની માનસિકતા છતી થઈ હતી. આ મામલે પોલીસ એસપીએ વધુ તપાસના આદેશ આપ્યા હતા. વીડિયો પર લોકોએ આકરી પ્રતિક્રિયા આપી હતી.