(સંવાદદાતા દ્વારા) વડોદરા,તા.૧૩
શહેર નજીકનાં કારવણ ગામે ગુરૂવારે રાત્રે વોલીબોલના મેદાનમાં મગર આવી જતાં નાસભાગ મચી ગઇ હતી. એક કલાકની જહેમત બાદ મગરને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.પ્રાપ્ત થતી વિગત અનુસાર શહેર નજીકનાં પોર પાસેનાં કારવણ ગામનાં મેદાનમાં રાત્રીનાં સમયે યુવાનો વોલીબોલ રમી રહ્યાં હતા. તે વખતે મેદાનમાં ચાર ફુટનો મગર આવ્યો ચડ્યો હતો. મેદાનમાં મગરને જોતા યુવાનોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. બનાવની જાણ ગામજનોને થતા ગામ લોકોનાં ટોળા ઉમટી પડ્યા હતા. બનાવ અંગે શહેરની જીવદયા સંસ્થા ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થાને કરતાં દોડી આવેલા સંસ્થાનાં કાર્યકરોએ મગરનું રેસ્કયુ કરી વન વિભાગને સોંપ્યો હતો.