(એજન્સી) તા.૧૭
કારાબાખમાં યુદ્ધવિરામ લગભગ અસફળ થઈ ગયો છે. કારણ કે આર્મેનિયા અને અઝારબૈજાન વચ્ચેની લડાઈએ ફરી એકવાર ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. અઝારબૈજાનના સેન્યએ કરાબાખમાં આગળ વધીને નવા વિસ્તારોને પોતાના નિયંત્રણ હેઠળ લઈ લીધા છે. આર્મેનિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે શુક્રવારે સવારે અઝારબૈજાનના સૈન્યએ ઉત્તર અને દક્ષિણ કરાબાખમાં હુમલા કર્યા હતા. અઝારબૈજાનના રાષ્ટ્રપતિ ઈલહામ અલીએફનું કહેવું છે કે આ દેશના સૈન્યએ કરાબાખમાં વધુ આઠ ગામોનું નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધુ છે, જે પછી અત્યાર સુધી કુલ ૪૯ ગામો અઝારબૈજાનના સૈન્યના નિયંત્રણ હેઠળ આવી ગયા છે. આઝરી સૈન્યએ જિબરઈલ નામક ગામમાં પ્રવેશ કર્યા પછી અંદરથી તસવીરો જાહેર કરી છે. ઈલહામનું કહેવું છે કે તેમનું સૈન્ય સમગ્ર કારાબાખ વિસ્તારનું નિયંત્રણ પોતાના હાથમાં આવ્યા પછી જ તેમનું આ અભિયાન સમાપ્ત કરશે. આર્મેનિયાના વિદેશમંત્રીનું કહેવું છે કે અઝારબૈજાનના હુમલાનો વિસ્તાર વધતો જઈ રહ્યો છે. કરાબાખ વિસ્તારના પ્રમુખે કહ્યું કે અઝારબૈજાનનું સૈન્ય નિર્દયતાથી રહેણાક વિસ્તારો પર હુમલા કરી રહ્યું છે. અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પીઓએ કહ્યું કે અમે આશા રાખીએ છે કે આર્મેનિયા પોતાનું રક્ષણ કરવામાં સફળ રહેશે. પોમ્પીયોના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે આ યુદ્ધમાં અમેરિકા આર્મેનિયાનો સાથ આપી રહ્યું છે. આ સાથે તેમણે એ વાત ઉપર ભાર મૂકયો કે બંને દેશોએ યુદ્ધવિરામનું સન્માન કરવું જોઈએ.