રાયપુર,તા.૯
છત્તીસગઢના ભૂતપુર્વ મુખ્યમંત્રી અજીત જોગીની તબિયત બગડ્યા બાદ શનિવારે રાયપુરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સ્થિતિ ગંભીર હોવાની માહિતી મળી છે. ડોક્ટરોનું કહેવું છે તેમને કાર્ડિયાક એરેસ્ટ થયો છે. તેમને એરલિફ્ટ કરી દિલ્હી લઈ જવામાં આવી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શનિવારે સવારે લગભગ ૭ વાગે તેમની પત્ની અને ધારાસભ્ય ડો.રેણુ જોગીએ અજીત જોગીનું બ્લડ પ્રેશર તપાસ્યું હતું. જે ખૂબ જ ઓછું હોવાથી અને તેમા કોઈ સુધારો નહીં થતા એમ્બ્યુલન્સથી દેવેન્દ્ર નગર સ્થિત શ્રીનારાયણા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના દિકરા અમિત જોગીએ પિતાની તબિયત ખરાબ હોવાની વાત કહી છે. તેઓ બિલાસપુરથી રાયપુર માટે રવાના થયા છે. હોસ્પિટલના ડાયરેક્ટર સુનીલ ખેમકાએ કહ્યું કે તેમને કાર્ડિયાક એરેસ્ટ આવ્યો છે. હવે રિકવરી થઈ રહી છે. જોકે સ્થિતિ ગંભીર બનેલી છે. મુખ્યમંત્રી ભુપેશ બઘેલાના દિકરાએ અમિત જોગી સાથે ફોન પર અજીત જોગીના ખબર અંતર પૂછી જાણકારી મેળવી છે.