નવી દિલ્હી, તા.૧૮
ઓસ્ટ્રેલિયા અને ભારતની વચ્ચે યોજાનારી પાંચ મેચોની વન-ડે શ્રેણીમાં વિકેટકીપર બેટ્‌સમેન દિનેશ કાર્તિકના સ્થાને યુવાન ખેલાડી રિષભ પંતને ટીમમાં સામેલ કરવાને લઇને ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે નારાજગી દર્શાવી છે. તેમણે ભડકાઉ અંદાજમાં પોતાની પ્રતિક્રિયા આપીને કહ્યું કે રિષભ પંતના સ્થાને કાર્તિકને વિશ્વ કપ માટે ટીમમાં પસંદ કરવાનો હતો.
આ સાથે જ ગાવસ્કરે વિશ્વ કપ માટે પોતાની ટીમ બનાવી છે, જેમાં એવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે, જે તેમના હિસાબથી વિશ્વ કપ માટે યોગ્ય રહેશે.
તેમણે કહ્યું, મારા મગજમાં આવા ૧૩ નામ છે, જે નિશ્ચિત રૂપથી ઈંગ્લેન્ડ (વિશ્વ કપ) જતી ફ્લાઈટમાં સવાર થશે. જેમાં શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી, રાયડૂ, મહેન્દ્ર સિંહ ધોની, જાધવ, હાર્દિક, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને કુલદીપ યાદવ સામેલ છે. તો ગાવસ્કરે ફાસ્ટ બોલર અને ઓલરાઉન્ડર તરીકે વિજય શંકરને હાર્દિક પંડ્યાની સાથે ટીમમાં સામેલ કર્યા છે.
સ્મરણ રહે કે ૫ મેચોની વન-ડે સીરીઝ ૨ માર્ચથી હૈદ્રાબાદમાં શરૂ થશે અને શ્રેણીની અંતિમ મેચ ૧૩ માર્ચે દિલ્હીમાં રમાશે.