(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૭
સુરત મહાનગર પાલિકાના કાર્યપાલક ઇજનેર, ડેપ્યુટી ઇજનેર અને આસીસ્ટન્ટ ઇજનેર વિરુધ્ધ સુરત મનપાને ૩૩ લાખનું નુકશાન પહોંચાડવા બદલ સુરત લાંચ રૂશ્વત વિરોધી દળે તપાસના અંતે આ ત્રણેયના વિરુધ્ધમાં અન્ય બે ફરિયાદ મળી કુલ ત્રણ સત્તાના દુરુપ્યોગ અંગેના ફોજદારી ગુનાઓ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ કલમ હેઠળ સત્તાવાર ફરિયાદ દાખલ કરી આસિસ્ટન્ટ ઇજનેરને ઝડપી પાડ્યાના બનેલા બનાવથી મનપા કચેરીમાં ભ્રષ્ટાચારી અધિકારીઓમાં સોંપો પડી ગયો છે. લાંચ રૂશ્વત વિરોધી દળના મદદનીશ પો.કમિ. આર.એસ.પટેલે યોજાયેલ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, તેમને એક અરજી મળી હતી અને તે અરજી કરતા ગોપાલભાઇ કનૈયાભાઇ લાંભાએ કરેલી આ અરજીમાં ટેન્ડરિંગ પ્રક્રિયામાં મનપાના અધિકારીઓ સત્તાનો દુરુપ્યોગ કરતા હોવાના આક્ષેપો સાથેની માહિતી હતી. જેથી આ અરજીની તપાસ એસીબીના પીઆઇ નિરવસિંહ ગોહિલને સોંપવામાં આવી હતી. તપાસના અંતે ગોપાલભાઇએ કરેલા આક્ષેપો સાચા સાબિત થતા આખરે પો.ઇ. એન.પી.ગોહિલે ફરિયાદી બની કાર્યપાલક ઇજનેર માનસિંગ નરસંગ ચૌધરી (એમ.એન.ચૌધરી રહે.મહાવીર રો-હાઉસ, હનિપાર્ક રોડ, અડાજણ, મૂળ રહે.ડાલીસણા, તા.ખેરાલુ, જિ.મહેસાણા), ડેપ્યુટી ઇજનેર નીલેશ રામચંદ્ર રામાવાત (રહે.ક્રિષ્ના રો-હાઉસ, એલ.પી.સવાણી રોડ, અડાજણ) અને આસિસ્ટન્ટ ઇજનેર નિલેશ રિપુ પટેલ (રહે.અંજની એન્કલેવ, કૈનાલ રોડ, જહાંગીરપુરા), સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ની કલમ ૧ર, ૧૩ (૧) ડી (ર) અને ૧૩ (ર) મુજબ તા.૭-૪-૨૦૧૮ના રોજ સવારે સાડા નવ વાગ્યે ગુનો નોંધાયો હતો અને નિલેશ પટેલની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય બે મનપા અધિકારી પ્લાયન થઇ ગયાં હોવાનું એસીબીએ જણાવ્યું હતું. આ ઉપરાંત કાર્યપાલક ઇજનેર સામે કુલ ત્રણ ગુના નોંધાયા હતા, જેમાં મનપાના આ કાર્યપાલક ઇજનેર માનસિંગ નરસિંગ ચૌધરી સામે કુલ ત્રણ ગુના નોંધાયા છે. જેમાં એક અન્ય બે ઇજનેર સાથે મળી કર્યા તે, બીજો ગુનો મહાનગપાલિકાને રૂા.૩૩ લાખનું નુકશાન કરવા બદલ અને ત્રીજો ગુનો સત્તાનો દુરુપ્યોગ કરી ટેન્ડર પાસ કરી એક એજન્સીને રૂા.બે કરોડનો ફાયદો કરાવવાનો સમાવેશ થાયછે. તેવા બે મળી કુલ ત્રણ ગુનાઓ નોંધાવવા પામ્યાની જાણ મનપા ખાતેથી થતાં સુરત મહાનગર પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓમાં સોપો પડી ગયો હતો.