નવી દિલ્હી,તા.૨૨
પાકિસ્તાનમાં છેલ્લા અમુક દિવસથી એક એવા સમાચાર વહેતા થયા કે સૌથી લાંબા બોલર્સમાંથી એક પાકિસ્તાનના મોહમ્મદ ઇરફાનનું કાર એક્સિડન્ટમાં નિધન થયું છે. સોશિયલ મીડિયા પર તેના મોતની ખબર વાયુવેગે વાયરલ થઈ હતી. આ ખબરથી તેના ફેન્સમાં ગમગીની છવાઈ હતી. આ બોલરના પરિવારને સહાનુભુતિ આપવા માટે ફોન આવવા લાગ્યા હતા. જેના પછી બોલરે સામે આવી સ્પષ્ટતા કરી કે તે જીવિત છે અને ઠીક છે. પરંતુ સોશિયલ મીડિયા પર મોતની અફવાએ તેના પરિવારને હેરાન-પરેશાન કરી દીધો છે.
મોહમ્મદ ઇરફાને ટિ્‌વટર પર પોસ્ટ કરી લખ્યું કે,‘સોશિયલ મીડિયા પર અફવા ફેલાઈ રહી છે કે એક કાર અકસ્માતમાં મારું મોત થયું છે. પરંતુ આ સમાચાર સંપૂર્ણ રીતે ફેક છે અને ખોટા છે.’ ખેલાડીએ કહ્યું કે,‘આ સમાચારે મારા પરિવાર અને દોસ્તોને ચિંતિત કરી દીધા છે. મને સતત ફોન આવી રહ્યા છે. આ અફવાથી બચો. કોઈ અકસ્માત નથી થયો હું એકદમ ઠીક છું. ખરેખર, આ અફવા ત્યારે ફેલાઈ જ્યારે રવિવારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડએ મૂક બધિર ક્રિકેટર મોહમ્મદ ઇરફાનના નિધનની માહિતી આપી હતી. ઇન્ફેક્શનના કારણે ક્રિકેટરનું નિધન થયું હતું. પરંતુ ફેન્સને ગેરસમજ થઈ અને લાંબો કદ ધરાવતા પાકિસ્તાની ઝડપી બોલર મોહમ્મદ ઇરફાનને શ્રદ્ધાંજલિ આપી.