ભાવનગર, તા.ર
ભાવનગર ઈમરજન્સી ૧૦૮ના કુંભારવાડા લોકેશનની એમ્બ્યુલન્સના પાયલોટ મયુરસિંહ ભગીરથસિંહ ગોહિલ પોતાના મિત્ર મનોજભાઈ બીપીનભાઈ રાઠોડની મારૂતિ સ્વીફ્ટ ડિઝાયર કાર નંબર જી.જે.૪.સી.જે.૧૧૩૩ લઈ ગત મોડી રાત્રે ભાવનગરથી અમદાવાદ જવા રવાના થયા હતા.દરમ્યાન કાર વટામણ-તારાપુર રોડ પર સીએનજી પમ્પ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રક નંબર જી.જે.૧૦.ઝેડ.૮૪૯૪ સાથે મારૂતિ સ્વીફ્ટ ડિઝાયર કાર ધડાકાભેર અથડાતા મયુરસિંહ ભગીરથસિંહ ગોહિલ (ઉ.વ.૩૩) અને તેમની સાથે કારમાં રહેલા સિદ્ધાર્થભાઈ કિરણભાઈ (ઉ.વ.આ.રપ, રહે. રામજીની વાડી, ગઢેચી વડલા, ભાવનગર)ને ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. મધ્યરાત્રી બાદ ર વાગ્યાના અરસામાં સર્જાયેલા અકસ્માતની જાણ થતા ભાવનગર ઈમરજન્સી ૧૦૮ વર્તુળમાં શોક છવાયો હતો.