(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૨૦,
શહેર નજીકના ભીમપુરા પાસે આજે કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં કરમસદ ખાતે મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતી વડોદરાની વિદ્યાર્થીની તથા કાર ચાલકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે એક વિદ્યાર્થીનીને ઇજા પહોંચી હતી. અન્ય બનાવમાં નેશનલ હાઇવે નં.૮ પર ટ્રકની અડફેટે આવેલા મોટરસાયકલ સવાર યુવાનનું પણ મોત નિપજતા અકસ્માતના બનાવોમાં કુલ ૩ વ્યકિતઓના મોત નિપજ્યા હતા. બનાવની પ્રાપ્ત થતી વિગત અનુસાર શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ શિવાંજલી સોસાયટીમાં રહેતી ૨૨ વર્ષીય મૈત્રી સતીષભાઇ રાજપુત આણંદના કરમસદ ખાતે આવેલ મેડીકલ કોલેજમાં ફિઝીયોથેરાપીના અભ્યાસક્રમમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી. વડોદરાથી કરસદ કોલેજમાં જવા માટે મૈત્રી રાજપુત અને તેના અન્ય સહવિદ્યાર્થીનીએ મકરપુરા એરફોર્સ પાસે સરસ્વતી ટાઉનશીપમાં રહેતા હેમરાજભાઇ ચૌધરીની કાર બંધાવી હતી. આજે બપોરે હેમરાજભાઇ વિદ્યાર્થીઓને કરમસદ કોલેજથી લઇ વડોદરા તરફ આવી રહ્યાં હતા. ત્યારે ભીમપુરા ચોકડી પાસે પુરપાટ ઝડપે આવતી ટ્રકે હેમરાજભાઇની કારને જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે કાર પલ્ટી ખાઇ ગઇ હતી. અને કારનો ડુચો વળી ગયો હતો. બનાવને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ બનાવમાં કારમાં મુસાફરી કરી રહેલ મૈત્રી રાજપુત તથા કારચાલક હેમરાજભાઇનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક વિદ્યાર્થીનીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે બીજા વિદ્યાર્થીઓને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. તમામને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમના પરિવારજનો દોડી આવ્યા હતા. મૃતકોના પરિવારની રોક્કળથી હોસ્પિટલનું વાતાવરણ ગમગીન બની ગયું હતું. બનાવ અંગેની જાણ થતા તાલુકા પોલીસ સયાજી હોસ્પિટલ દોડી આવી હતી. તથા ટ્રક ચાલક સામે ગુન્હો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. જ્યારે અન્ય બનાવમાં અંકલેશ્વર ખાતે રહેતાં ૩૦ વર્ષીય સુનિલ સુરેશભાઇ દિવાન તથા ૪૦ વર્ષીય છોટુભાઇ મોટરસાયકલ લઇ કપુરાઇ ચોકડી પાસેથી પસાર થતા હતા. તે દરમ્યાન ટ્રક ચાલકે બાઇકને અડફેટમાં લેતા ગંભીર રીતે ઇજા પામેલ છોટુભાઇનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે સુનિલ દિવાનને ઇજાઓ થવા પામી હતી. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.