(સંવાદદાતા દ્વારા) મોડાસા,તા.રપ
મોડાસા-શામળાજી રોડ પર આવેલા ઉમેદપુર ગામ નજીક કારે બાઈકને ટક્કર મારતા બાઈક સવાર બોલુન્દ્રા ગામની ૨૦ વર્ષીય યુવતીનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક ચાલક યુવક અને અન્ય યુવતીના શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
રવિવારે સાંજના સુમારે, જીવણપુર નજીક ઉમેદપુર નજીક મોડાસાથી બોલુન્દ્રા તરફ જઈ રહેલ બાઈકને ઉમેદપુર ગામ બાજુથી આવી રહેલા કાર (ગાડી.નં.જીજે ૩૧ એ ૪૮૪૨)ના ચાલકે ધડાકાભેર ટક્કર મારતા બાઈક સવાર ત્રણ વ્યક્તિઓ રોડ પર ફંગોળાઈ હતી જેમાં પીનલ ઉર્ફે પૂજા હરજીભાઇ સોલંકી (ઉં.૨૦ વર્ષ)ના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે પ્રાણપંખેરું ઉડી ગયું હતું બાઈક ચાલક યુવક પાર્થ દિનેશ કુમાર સોલંકી (રહે,ટીંટોઈ) અને સંજના ઉર્ફે ચકુ દલપતભાઈ વણકરના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા અકસ્માતને પગલે દોડી આવેલા લોકોએ બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા. અકસ્માતના પગલે મૃતક યુવતીના પરિવારજનો અને સગાં-સંબંધી પહોંચી હૈયાફાટ રૂદન કરી મુકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી. મોડાસા રૂરલ પોલીસે મૃતક યુવતીના મૃતદેહને પીએમ માટે મોડાસા સરકારી દવાખાને ખસેડી રતિલાલ નાથાભાઈ વણકર (ઉં.વર્ષ-૬૭)ની ફરિયાદના આધારે અકસ્માત સર્જી ફરાર કાર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા.