પાવીજેતપુર, તા.ર૮
પાવીજેતપુર તાલુકાના ઘૂટણવડથી ઉચાપાન જતા રસ્તામાં મોટીબેજ ખાતે મોડીરાત્રે એક મોટરકાર વૃક્ષ સાથે ભયંકર રીતે અથડાતા એક વ્યક્તિનું સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થતા દવાખાને દાખલ કરી વધુ સારવાર અપાઈ રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ઘુટણવડ પોતાની બહેનને ત્યાં લગ્નમાંથી ઉચાપાન ગામનાં જેશીંગપુરા ફળિયામાં રહેતા યુવાન નિકુંજભાઈ દિનેશભાઈ રાઠવા (ઉ.વ.રર)નાઓ પોતાના મિત્ર સચિનભાઈ શ્યામચંદ્ર રાઠવા (રહે. વાંકોલ) સાથે ઉચાપાન પોતાના ઘરે જતા હતા. તે દરમ્યાન સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતાં કાર નં. જી.જે. ૬ એફ.ક્યુ. ૪૭૮૭ મોટીબેજ પાસે ધડાકાભેર વૃક્ષ સાથે અથડાતાં નિકુંજભાઈને માથામાં તથા મોઢાના ભાગે ગંભીર ઈજા થતા તેઓનું સ્થળ ઉપર જ કરૂણ મોત થયું હતું. જ્યારે સચિનભાઈને ગંભીર ઈજાઓ થતાં તેઓ ૧૦૮માં લઈ જઈ વધુ સારવાર માટે દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા છે.