જામનગર, તા.૨૦
કાલાવડમાં ઝૂંપડાવાળીને રહેતા શ્રમિકો પર આભ ફાટી પડ્યું હતું. એક શ્રમિકના ખુલ્લા ચૂલામાંથી ઉડેલો તણખો વીસ ઝૂંપડાઓને ખાખ બનાવી જતા આ ગરીબ પરિવારો હતપ્રભ બન્યા છે.
કાલાવડના ધોરાજી રોડ પર દાહોદ તેમજ ગોધરા અને મધ્યપ્રદેશ તરફથી આવીને ઝૂંપડા બાંધીને કેટલાક શ્રમિકો વસવાટ કરે છે અને તે વિસ્તારમાં ખેતમજૂરી કરી પેટિયું રળે છે.તે દરમ્યાન ગઈકાલે સાંજે કેટલાક શ્રમિકો કામ પરથી પરત ફર્યા પછી વાળુ કરવા માટે રસોઈ બનાવવાની તજવીજ કરતા હતાં ત્યારે એક સ્થળેથી ખુલ્લા ચુલામાંથી ઉડીને બાજુના ઝૂંપડા પર પડેલો તણખો ફટાફટ ઉપડી જતા તે ઝૂંપડુ સગળી ઉઠ્યું હતું. તેની જાળ આજુબાજુના અન્ય ઝૂંપડાઓને અડકતા કુલ વીસેક ઝૂંપડાઓ આગની લપેટમાં આવી ગયા હતા.આગની કાલાવડ નગરપાલિકાના ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ધસી ગયેલા ફાયરના જવાનોએ પાણીનો સતત મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતાં તેમ છતાં શ્રમિકોની રાશન, કપડા સહિતની મોટાભાગની ઘરવખરી ખાખ થઈ જવા પામી હતી.