જામનગર, તા. ૧ર
ઃ કાલાવડ તાલુકા પંચાયતની બે બેઠક માટેની પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ બન્ને પક્ષના કુલ ચારેય ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લેતા ચૂંટણી રદ્દ કરવાની ફરજ પડી છે.કાલાવડ તાલુકા પંચાયતની બે બેઠકો ખાલી પડતા આ બન્ને બેઠકો માટે પેટા ચૂંટણીની જાહેરાત થઈ હતી અને રરમી માર્ચના મતદાન રાખવામાં આવ્યું હતું. આ માટે બન્ને બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસના કુલ ચાર ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા હતાં.
પરંતુ ફોર્મ પાછા ખેંચવાની તારીખ હોવાથી આ બન્ને બેઠકના ચારેય ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ પાછા ખેંચતા હાલ પૂરતી ચૂંટણી રદ્દ એટલે કે, મુલત્વી રાખવાની તંત્રને ફરજ પડી હતી. નવાગામની બેઠક ઉપર ભાજપના રાધાબેને ભુંડીયા સામે કોંગ્રેસ પક્ષ તરફથી રેવાબેન ઉમેદવારી નોંધાવી હતી. અનુ.આદિજાતીની આ મહિલા અનામતની બેઠક ઉપરથી બન્ને ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા હતાં.
જ્યારે નિકાવાની બેઠક ઉપરથી ભાજપ તરફે નિલેષ ગમઢા અને કોંગ્રેસ તરફ હિતેષભાઈ ચનાભાઈ ગમઢાએ ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ આ બેઠકના પણ બન્ને ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી લેતા ઉમેદવાર વગરની ચૂંટણી મુલત્વી રાખવાની તંત્રને ફરજ પડી હતી.