અમદાવાદ, તા.૩
મહિલા સુરક્ષા અને સશક્તિકરણની વાતો વચ્ચે શહેરના કાલુપુર વિસ્તારમાં એક યુવતીને તેના ઘરની નજીકમાં રહેતા યુવાને માથાના ભાગે તલવાર મારતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ યુવતીએ તેના પતિ સાથે છૂટાછેડા લીધા બાદ તેની માતા સાથે રહે છે, તે તેના ઘર પાસે ઊભી હતી, તે દરમિયાન તેના ઘરની નજીકમાં રહેતો એક યુવાન તેની પાસે આવ્યો હતો અને કહેવા લાગ્યો કે, તારા છૂટાછેડા થઈ ગયા છે અને તું એકલી છે, તો મારી પાસે આવી જા. જો કે, આવું કહેતા યુવતીએ તેને ઊંચા અવાજમાં ત્યાંથી જતો રહે નહીં તો પોલીસ બોલાવીશ. તેવું કહ્યું હતું. જેથી આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને તલવાર લઇ આવી ફરિયાદી યુવતીને માથાના ભાગે તલવાર મારી હતી. જો કે, આસપાસના સ્થાનિક લોકોને આ બાબતની જાણ થતાં જ તેઓ તાત્કાલિક ત્યાં આવી પહોંચ્યા હતા અને યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. જો કે, ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે આરોપી વિરુદ્ધમાં ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.